Posts Tagged ‘સ્વયંની ઓળખ’

હું કોણ છું?

ઓક્ટોબર 4, 2008

“હું કોણ છું?” આ પ્રશ્ન પર વિચાર કરતા જવાબ એમાં જ સમાયેલો જણાય છે. આ સવાલમાં જ એક સનાતન સત્ય “હું.. છું” છુપાયેલું છે. અહિં પ્રશ્નકર્તા સ્વયં પોતાના અસ્તિત્વ વિશે પૂર્ણપણે સભાન છે. સવાલ ‘ઓળખ’નો છે, ‘અસ્તિત્વ’નો નહિ. પણ ‘હું કોણ છું’ આ પ્રશ્ન એ જાણે કે બીજાને પૂછી રહ્યો છે. જાણે કે પ્રશ્નકર્તા માને છે કે તેના સિવાય કોઇક ‘અન્ય’ છે જે કદાચ એને પોતા કરતાં વધુ સારી રીતે જાણે છે! પણ શું કદી કોઇ ‘અન્ય’ આપણને આપણાં કરતાં વધુ સારી રીતે ઓળખી શકે?

જો આપણે સ્વ્યંના શરીરને જોવું હોય, તો એક જ માર્ગ છે. આપણે આપણું પ્રતિબિંબ જોવું પડશે. દુનિયાની કોઇ પણ વ્યક્તિની મદદ લઇ લો. વધુમાં વધુ એ આપણને એક અરીસો ધરી શકશે કે જેમાં આપણે સ્વયંને જોઇ શકીએ. 

“હું કોણ છું” પ્રશ્ન પર ઊંડાણથી વિચારતા જણાશે કે આ પ્રશ્નના સાક્ષી પણ આપણે સ્વયં જ છીએ. જાણે કે સ્વયંનો એક નાનકડો ભાગ સંપૂર્ણ સ્વયંને પૂછી રહ્યો હોય. જેમ કે સાગરના જળનું એક ટીપું સાગરને પ્રશ્ન કરી બેસે ‘હું કોણ છું?’. આ એક ટીપું પોતાની ઓળખની શોધમાં વરાળ બની સાગરથી છૂટું પડી મુશ્કેલ યાત્રા પર નીકળી પડે છે. આખરે વરસાદનું ટીપું બની પર્વત પરથી પથ્થરો સાથે અફળાતું અફળાતું છેલ્લે જ્યારે ફરી સાગરની પાસે પહોંચે છે, ત્યારે એને પોતાની ખરી ‘ઓળખ’ યાદ આવે છે અને ‘હું સાગર છું’ નો પોકાર કરી આનંદમાં ઝુમતું ઝુમતું સાગરમાં વિલીન થઇ જાય છે. કદાચ સાગર પોતાની ભવ્યતા, વિશાળતા સ્વયં કદી નહિ ઓળખી શકત. પણ એના જ એક ટીપાં થકી સાગર પણ સ્વયંની ભવ્યતાને ઓળખી શક્યો. આ સંગમથી સાગર પણ એટલો જ આનંદ મેળવે છે, જેટલું કે એ ટીપું. 

શું આપણે પણ આ સાગરના એક ટીપાંની જેમ સ્વયંમાં છુપાયેલા મહાન સાગર (આત્મા) ને આ સવાલ પૂછી રહ્યા છીએ? શું આ જીવન-મરણની કઠીન યાત્રા આખરે એ સાગરને ઓળખી એમાં ભળી જવા માટે છે? 

એક યોગી (ટીપું) જ્યારે આત્મજ્ઞાન (સ્વયંની ઓળખ) મેળવે છે, ત્યારે એ પણ પેલા સાગરના ટીપાંની જેમ ‘અહમ્ બ્રહ્માસ્મિ’ (હું સાગર છું) પોકારતો આનંદના મહાસાગર (આત્મા) માં ભળી જાય છે. હું સાગરથી અલગ છું એ માત્ર ટીપાંની અજ્ઞાનતા છે. ચાલો, ‘હું કોણ છું’ આ પ્રશ્ન પર ઊંડાણથી વિચાર કરી સત્યની ખોજનો પ્રારંભ કરીએ.