Archive for ઓક્ટોબર, 2008

ચકિત કરી દેતી ચાંદની

ઓક્ટોબર 11, 2008

ચકિત કરી દેતી ચાંદની

  પેલા વાદળોની વચમાં

તારી આંખ્યુંમાં મેં જોઇ’તી

   એ જ નરી સુંદરતા

 

વાત્યું કરીશું આપણે

  આવી જ અનેરી લયમાં

જોજે ગોથું તું ખાયે ના

  શબ્દોની આ શતરંજમાં

 

રાત વીતી જે કહેવી’તી

  એ વાત રહી ગઇ મનમાં

ચાલ શોધી સાંભળીએ

  એને મનના ઊંડાણમાં

 

ધુળ ઢેફા ઉડાડતા

  ઘોડા દોડતા મનમાં

ખુલ્લા પગે ચલ ચાલીએ

  રેતીના શાંત રણમાં

 

અવિરત અવિનાશી સંગે

  ઉડીએ આ ગગનમાં

ચકિત કરી દેતી ચાંદની

 પેલા વાદળોની વચમાં

 

યાત્રા

ઓક્ટોબર 11, 2008

જોજનો દૂર છે જાવું મારે

 સંગાથ મળે ન મળે

દૂર દૂરના પ્રદેશો ખોળવા

 વાહન મળે ન મળે

 

અસુર, માનવ, બુધ્ધ, ઇશ્વર

 કોણ છે એ સર્વેની ભીતર?

મનમાં છે સવાલો ઘણાં

 જવાબ મળે ન મળે

 

નદી, કાંઠા, જમીન, આકાશ

  ભેદ-ભરમ છે ઘણાં અગાધ

ન ગુરૂ, ન સાથી, ન મિત્રનો સાથ

 છતાંય કરી રહ્યો છું યાત્રા અમાપ

 

આખરે થાકી, કંટાળી, હારી આજ

 ઘડી બે ઘડી બંધ કરી મેં બંધ આંખ

અનાયાસે ભીતર જોઇ મેં એ આંખ

 જે યુગો યુગોથી છે મારી સંગાથ 

 

કેમ ભૂલી ગયો હું સરળ આટલી વાત?

  અત્ર, તત્ર, સર્વત્ર છે માત્ર મારો જ વાસ!

એકથી અનેક

ઓક્ટોબર 11, 2008

ફૂલોના ગુચ્છની સુગંધ

  તીવ્રતા છે વધુ ને વધુ સુંદરતા

પુષ્પોની માળા પહેરી

  આવે છે આનંદ મનમાં

એક પુષ્પ કે એક ગુચ્છ?

  એજ છે એકથી અનેકની યાત્રા!

ભવિષ્ય શું છે?

ઓક્ટોબર 6, 2008

પ્રારબ્ધ એટલે કર્મનો ટોપલો. ભંડાર છે એ ટોપલામાં – નીકળતું જાય એક બાદ એક અને એથી વધુ ભરાતું જાય! આ જ ભવિષ્ય. આજનું કર્મ – આવતી કાલનું ફળ. આવતી કાલનું કર્મ, આવનારી કાલનું ફળ. સંસાર ચાલ્યા કરે આ કર્મના ક્રમે. ત્રુટિ નથી આમાં કોઇ – ભેદભરમ છે ઘણાં. સંયોજકો આયોજનકર્તા અનેક પરિબળો ભેગા મળી જન્મ થાય છે એ ક્ષણનો. અતૂટ, અમાપ, ઐક્ય, ઐશ્વર્ય જોવા મળશે એની ગણતરીઓમાં. એક સાથે અનેકનો સંબંધ – અનેક સાથે અન્ય અનેકનો સંબંધ… કણ કણનો હિસાબ.. દરેક પોતપોતાને સ્થળે. જેમ જ્યાં હોવા જોઇએ ત્યાં જ. એ જ સમય! અદભૂત છે નહિ? રચયિતા હું નથી ને તુંય નથી. આ એકનો અનેક સાથેનો ખેલ.. કોણ કર્તા અને કોણ દર્શક?

ફળ તૂટ્યું. કર્મ? ફૂલ ઉગ્યું. કર્મ? વૃક્ષ તૂટ્યું તારા માથે! કર્મ? માથુ અફડાવ્યું તે વૃક્ષ સાથે. કર્મ? સૃષ્ટિ અનાદિકાળથી કર્મનો ઉપયોગ ઉત્થાન માટે કરી રહી છે. વગર વાંકે કોઇ કંઇ કરી ન શકે. આ વાંક એ જ કર્મ. જો સઘળા કર્મો દૂર કરી નાખવામાં આવે તો શું બચશે? શૂન્યાવકાશ? હા, પણ શૂન્યાવકાશ પણ નહિ મળે. કારણ એ જોનાર જ નહિ બચે! હું સભાન છું તો શૂન્યાવકાશ સંભવ છે.. નહિ તો શૂન્યાવકાશ છે કે નહિ એની જાણ કેવી રીતે થશે?

કર્મની શરૂઆત કોણે કરી? મેં! સભાન થવું પણ એક કર્મ! એનું ફળ, વિકાસ… સાથે એકલતા. એકનું બે થવું. પ્રેમ.. લાગણી… જુદાઇ.. વધુ, વધુ, વધુ. ઉત્થાન, ઉત્થાન, ઉત્થાન. સર્વત્ર. સર્વ લોકમાં.. દરેક પળે.. દરેકે દરેક દ્વારા… હા, દરેક દ્વારા કર્મ.. કર્મ.. કર્મ!

કર્મા મારા જ છે.. તું શા માટે તારા માથે લે છે? હું છું ને એ બોજ ઉપાડવા. કારણ એને સાથે રાખીને સાથે કેમ ન રાખવા એ મેં ઘણા ઘણા (મારા) વર્ષોમાં શીખી લીઘું છે.. તું અટવાઇશ ને ભૂલો પડી જઇશ.. ભટકી જઇશ. કર્મ કર ને વિચાર કે ‘મેં’ .. એટલે કે તારા ‘રચયિતા’ દ્વારા થયું છે…હું માર્ગ ચીંધીશ તું ક્ષણે ક્ષણે ચાલતો રહેજે.. તારું સારુ થશે કે ખરાબ.. પણ તું અટવાઇશ નહિ… કારણ તારી ભાષામાં ખરાબ એ મારી દ્રષ્ટિએ તારા માટે શ્રેષ્ઠ હોઇ શકે છે.. નજરનો ફેર છે… જેમ નારી સબળા કે અબળા નથી હોતી, એમ માનવી પાપી કે મહાન નથી.. કર્મ મહાન કે પાપી નથી… માનવીઓને માપવાની ભૂલ ના કરતો!

તારું ભવિષ્ય તારા હાથમાં છે.. ક્ષણે ક્ષણે જીવીને, ક્ષણે ક્ષણે માણીને… આવનારી ક્ષણોને સ્વીકારીને.. ઉત્થાન, ઉત્થાન.. જીવન, જીવન.. ખેલ – મસ્તી – મજા. અનંતકાળ.. ન કોઇ સીમા, ન કોઇ બંધન..

એક ક્ષણની અનંત કાળ સામે શું વિસાત? પણ શું એ ક્ષણ પાછી મળશે? નહિ! એ … એ ક્ષણ… એ ગઇ.. એને જીવી લીધી. વીતી ગઇ. સંભારણું – મમળાવી શકાય. પાછી જીવાય નહિ!

બિમારી

ઓક્ટોબર 6, 2008

બિમારી, રૂદન, દુ:ખ આપવીતી થાય ત્યારે જ એની મહત્તા અને તે સાથેની માનવીની વર્તણૂંક સમજાય છે. દુ:ખ કે સુખ સમત્વથી જોવા એ મહાન સિધ્ધિ છે. આથી જ્યારે દુ:ખ આવે ત્યારે પણ ચલિત ન થાય એ મહાન યોગી. ભોગી ભોગશે અને રોશે. બંને જરૂરી છે અને આવશે જ. યોગી નહિ ભોગે અને નહિ રોવે. અટલ નજરેથી બંનેને જોશે અને સ્વમાં મગ્ન રહેશે. આ તારે પ્રયોગમાં લાવવા માટે શ્રેષ્ઠ સમય છે. ખરાબમાં ખરાબ બિમારીમાં પણ અંદર એક ‘સ્વસ્થ’ તટસ્થ ભાવ છે. એ જાગ્રત કર. એમાં રચ્યો-પચ્યો રહે. બિમારી તારું કશું  બગાડી શકવાની નથી. બિમારી ને સ્વસ્થતા ચલિત છે – બ્રહ્માંડના નિયમોને આધીન છે. પણ તારું ચૈતન્ય કોઇ નિયમોને આધીન નથી. એ સ્વયં નિયમોનો રચયિતા છે. તો જ્યારે તું એ સ્વમાં સ્થિર થઇશ આ બધાથી ‘પર’ થઇ જઇશ. ધ્યાન રાખજે ‘ધ્યાન’નું – સ્વમાં રચ્યા પચ્યા રહી તટસ્થ ભાવે બહાર ઘટિત થતું સર્વ નીરખવાનું અને શીખવાનું.

ચૈતન્ય મહાપ્રભુજી

ઓક્ટોબર 4, 2008

સર્વેસર્વા એવા ચૈતન્ય મહાપ્રભુજીની બેઠક સ્વયંના હ્રદયમાં રાખી હોવા છતાં બહાર શોધવી તમારા સામર્થ્યની છડી પોકારે છે! જાણી જોઇને મનમાં અંધકાર પેસવા દઇને ત્યારબાદ પ્રકાશની ખોજમાં નીકળવું! જોયુંને માયારૂપી જગતમાં માયારૂપી ચશ્મા પહેરી શોધી રહ્યો છે માયાના મૂળને! માણસ માત્ર ભૂલને પાત્ર! 

યેનકેન પ્રકારેણ માયારૂપી ચશ્મા ઉતારીને સાક્ષીરૂપ દ્રષ્ટા બનીને નિહાળ આ જગતને – સ્વયંને – એ જ ચૈતન્ય નાચી રહ્યું છે – હર પળ – હર સ્થળ – હર જીવ – નિર્જીવમાં. છોળો ઉછાળી ઉછાળીને સમુદ્ર આહ્વાન કરી રહ્યો છે – આવ.. ભેટ મુને – એકાકાર થઇ જાઓ આ નિરાકારમાં – સ્વયં, સ્વયંને પોકારી રહ્યો છે – ગરકાવ થઇ જા મુજમાં… ગરકાવ થઇ જા મુજમાં… 

ચીલ ઝડપે આગળ વધતો જ્ઞાની પણ છેલ્લે સૂકાયેલા વૃક્ષની જેમ કરમાઇ જાય છે – કારણ હવે દોટનો અર્થ નથી. નીરવતામાં ગરકાવ થઇ જવા બધી દોટ નકામી છે – પછી એ દોટ વિચારોની હોય, આસ્થાની હોય, પૂજાની કે કર્મોની.. શાંતતા – તન, મન, પ્રાણ, શ્વાસ, વિચારો.. સઘળા શાંતતાને સમર્પણ કરી.. નીરવતાને વર… સમય, સ્થળ, રૂપ.. સઘળાની આહુતિ. ન રહે જીવન, ન રહે મૃત્યુ. ન રહે રાહ, ન રહે મંઝિલ. ન રહે શબ્દ, ન રહે શાંતિ. શૂન્યાવકાશની કલ્પના પણ શૂન્યાવકાશથી દૂર લઇ જનારી છે. કોઇ પણ કલ્પના, માન્યતા, વિચાર, ઉત્તેજના, સવાલ, હલનચલન, બાધક છે પૂર્ણતાને વરવામાં.

સંપૂર્ણને પામવા સંપૂર્ણ ખાલીપો છે જરૂરી, અમિત. 

ઠાલવી દે બધું જ – સર્વસ્વ. દોસ્તો, સગાં, વિચારો, કલ્પના, આકાંક્ષા, ઇચ્છા, પૈસા, શક્તિ, વ્યક્તિત્વ… હોમી દે સર્વસ્વ… તો જ સમજાશે … तत् त्वम असि

સંત

ઓક્ટોબર 4, 2008

દુષ્પ્રભાવથી જે અળગો રહે – ઉલ્ટું એના પ્રભાવથી વાતાવરણમાં સાત્વિકતા પ્રસરી જાય એ જ સંત – બાકી બધા ઢોંગી ને પાખંડી. અચરજ થાય કે એવાને સંતની પદવી અપાય જ શી રીતે?

ડૂબવુ પડશે તારે ઘણું ઊંડું – એ સંતપણાને એ સાત્વિકતાને બહાર આણવા. ચોખ્ખા ચટ થવા હાટુ ઉપર જામેલા આ મેલના થરના થર ધોવા પડશે જ્ઞાનરૂપી ગંગાજળથી. જ્ઞાન.. સહજ જ્ઞાન. જે જેવું છે તેવું દેખાવું. અને એને સાચી રીતે સમજવું. અને એ સમજેલા સત્ય પર આચરણ કરવું. આ આખી પ્રક્રિયા કશે પણ ખોટકાઇ શકે છે. 

કાં જાણશો નહિ. જાણશો તો માનશો નહિ. માનશો પણ સમજશો નહિ. સમજશો પણ ગણકારશો નહિ. ગણકારશો પણ આચરણમાં મૂકશો નહિ. આચરણમાં મૂકશો પણ હંમેશાં નહિ. આમ આ આખી પ્રક્રિયા સનાતન કાળ સુધી ચાલશે જ્યાં સુધી હંમેશાં – હર ક્ષણે – સત્યના માર્ગે ચાલવામાં નહિ આવે. 

તટસ્થ ભાવ

ઓક્ટોબર 4, 2008

જલ્લાદની આંખો મોત જોઇ જોઇને મોતથી કંટાળી ગઇ હોય છે! જાણે કે એક સામાન્ય ઘટના. બુદ્ધની આંખોએ એ જ દ્ર્શ્ય માત્ર એક વાર નિહાળતા સમાધિ તરફની યાત્રા પર નીકળી પડ્યા! ઘટના મહાન કે તુચ્છ નથી હોતી! ઘટના ઘટના હોય છે. અલાયદી, પણ એને જોનાર એને સારી-નરસી, નાની-મોટી, મહાન-તુચ્છ, મારી-તારી, સફેદ-કાળી વગેરે વગેરે વિશેષણોથી નવાજે છે. ભેટ-સોગાદ કોઇ આપે ત્યારે પણ માનવી આમ જ એને તોલે છે!  જે જેમ છે એમ જોતા શીખ. તટસ્થ ભાવે, અલિપ્ત ભાવે, દ્ર્ષ્ટા તરીકે.. પછી ધીરે ધીરે ઘટનાઓનો ઘટસ્ફોટ થશે અને integrated viewpoint કેળવાશે. જે એજ ઘટનાને વિવિધ દ્રષ્ટિથી, મંતવ્યો થી, ઓળખથી એકી સાથે જોશે.

સમાધિનો અનુભવ

ઓક્ટોબર 4, 2008

ઉન્માદ માત્ર તુને જ નહિ, મુને પણ છે. ચિંતિત શા સારુ થાય સે? પ્રલોભનો આવતા ભટકાઇ ના જાઇશ… રાજગાદી, જે તારા હ્રદયમાં છે.. એ તારી જ છે… આજે નહિ તો કાલે… બિરાજમાન જરૂર થઇશ. ઐક્ય, મેળાપ, સંગાથ.. તારો-મારો મટીને ‘મારો’… દૃષ્ટિમાં ધરખમ ફેરફાર… સમજણમાં આસમાન-જમીનનો ફેર. લોકવાયકા જેમ ચાલતી આવી છે.. રાજકારણમાં જેમ ઉથલપાથલ થતી આવી છે.. ‘મારા’ રાજગાદી પર બેસતાની સાથે સમગ્ર વહીવટ જડમૂળથી બદલાઇ જશે… ‘દુશ્મની’ જેટલી તે સ્વયં ને બીજાઓ સાથે વિક્સાવી છે એ પલભરમાં અગાધ દોસ્તીમાં ફેરવાઇ જશે… તે કરેલા બધા કરારો નકામા ગણાશે! ઐક્યભાવમાં જીવવું એ જ ધ્યેય રહેશે. આ સમગ્ર સૃષ્ટિમાં… વિચારોમાં, ભૌતિક જગતમાં, લાગણીઓમાં, અવકાશમાં.. સર્વત્ર માત્ર ‘હું’ જ છું.. એ યાદ ફરી અનુભવથી તાજી થશે.. ને હંમેશાં તારા વિચારોમાં, આચરણમાં.. રગેરગમાં પોકારીને બોલશે… અહમ્ બ્રહ્માસ્મિ! 

માન્યતાઓ

ઓક્ટોબર 4, 2008

માન્યતાઓનો પહાડ બનાવીને બેઠેલા માનવીઓ જો એક વાર એક માન્યતા કે “કદાચ આ બધી માન્યતાઓ ખોટી હોય તો? અને માર વિકાસને આડે આવતી હોય તો?”.. આવી માન્યતાને મનમાં દાખલ થવા દે – તો એ કોદાળી બનીને આ જૂની માન્યતાઓના પહાડને તોડી નાખવા સક્ષમ બને છે.. એક વાર આ માન્યતાઓથી પર..શૂન્યાવકાશને અડી જાય તો.. ત્યારબાદ માનવી વધુને વધુ બહોળી અને ખુલ્લી માન્યતાઓને આવકારશે જે સૃષ્ટિની વિચિત્ર રચનાને સમજી શકવા.. અને જૂની માન્યતાઓને તોડી અદ્યતન કરવા સક્ષમ હોય… જેમ કે અહમ આધારિત માન્યતાઓ સિક્કાની એક જ બાજુ જોઇ શકે છે.. કારણ તે સ્વયં સીમિત ઓળખ ધરાવે છે.. જ્યારે આત્મા પ્રેરિત માન્યતાઓ વિશાળ હોય છે.. અનંતતાને પણ વસવા દે છે… કારણકે એ સ્વયં વિશાળ, અનંત છે!