Posts Tagged ‘બ્રહ્માંડ’

બિમારી

ઓક્ટોબર 6, 2008

બિમારી, રૂદન, દુ:ખ આપવીતી થાય ત્યારે જ એની મહત્તા અને તે સાથેની માનવીની વર્તણૂંક સમજાય છે. દુ:ખ કે સુખ સમત્વથી જોવા એ મહાન સિધ્ધિ છે. આથી જ્યારે દુ:ખ આવે ત્યારે પણ ચલિત ન થાય એ મહાન યોગી. ભોગી ભોગશે અને રોશે. બંને જરૂરી છે અને આવશે જ. યોગી નહિ ભોગે અને નહિ રોવે. અટલ નજરેથી બંનેને જોશે અને સ્વમાં મગ્ન રહેશે. આ તારે પ્રયોગમાં લાવવા માટે શ્રેષ્ઠ સમય છે. ખરાબમાં ખરાબ બિમારીમાં પણ અંદર એક ‘સ્વસ્થ’ તટસ્થ ભાવ છે. એ જાગ્રત કર. એમાં રચ્યો-પચ્યો રહે. બિમારી તારું કશું  બગાડી શકવાની નથી. બિમારી ને સ્વસ્થતા ચલિત છે – બ્રહ્માંડના નિયમોને આધીન છે. પણ તારું ચૈતન્ય કોઇ નિયમોને આધીન નથી. એ સ્વયં નિયમોનો રચયિતા છે. તો જ્યારે તું એ સ્વમાં સ્થિર થઇશ આ બધાથી ‘પર’ થઇ જઇશ. ધ્યાન રાખજે ‘ધ્યાન’નું – સ્વમાં રચ્યા પચ્યા રહી તટસ્થ ભાવે બહાર ઘટિત થતું સર્વ નીરખવાનું અને શીખવાનું.