એક ઈચ્છા…

ઓક્ટોબર 19, 2015

એક ઈચ્છા…

અનંત શૂન્યાવકાશમાં ખળભળ થઈ ગઈ

લાખો વિસ્ફોટોની હારમાળા થઇ ગઈ

જોતજોતામાં પંચતત્વોની સૃષ્ટિ થઇ ગઈ

અસંખ્ય ઇચ્છાઓની એ જનેતા થઇ ગઈ!

એક ઈચ્છા…

સત્યની શોધમાં રઝળપાટ થઇ ગઈ

લાખો વિચારોની આંધી થઇ ગઈ

ગુરૂઓ અને ગ્રંથોની ભરમાર થઇ ગઇ

અસંખ્ય સંપ્રદાયોની એ જનેતા થઇ ગઈ!

એક ઈચ્છા…

દૂર દૂર દેશ એના પર ચર્ચા થઇ ગઈ

લાખો કાગળો પર શાહીની નદીઓ થઇ ગઈ

વાંચીને કેટલીય આંખો ભીની થઇ ગઈ

અસંખ્ય ક્રાંતિઓની એ જનેતા થઇ ગઈ!

એક ઈચ્છા…

લોહીની નદીઓ વહેતી થઇ ગઈ

લાખો નિર્દોષોની કત્લેઆમ થઇ ગઈ

દર્દનાક ચીસો ઠરીઠામ થઇ ગઈ

અસંખ્ય ચિતાઓની એ જનેતા થઇ ગઈ!

– અમિત પરીખ

https://amittparikh.wordpress.com/

પંથ

જાન્યુઆરી 14, 2015

પંથ જે કાપવાનો છે તારે

પંથ જે ચાલવાનો છે તારે

એ આજ છે, એ આજ છે!

ન નામના, ન કિર્તી, ન કોઇ ફળ

ખેવના છે માત્ર સત્યની હર પળ

સત્યની શોધમાં, ને સત્યની સમજણ

જાણવી છે, ને જણાવવી છે હર પળ!

અજોડ ‘અમિત’ હસ્તી

મે 11, 2014

રાખ થઇ ગઇ ઝિંદગી, ખાખ થઇ હર એક સિદ્ધિ

અહીં કાંઇ હયાત નથી, ભસ્મ થઇ ગઇ એ હસ્તી

સ્મશાનની ચીર શાંતિમાં, વિલીન થઇ ગઇ બંદગી

 

યાદો, ફરિયાદો, વચન ને સપનાની એ કહાણી

ધર્મ, કર્મ, અર્થ, કામ ને મોક્ષની એ વાતો સઘળી

નથી કામની હવે કાંઇ, ચોમેર છે બસ શ્યામલ શાંતિ

 

લાલ, પીળી, લીલી ને નીલી, મૂળે દુનિયા એક જ રંગની

એક તત્વ, એક તરંગ, એક અટૂલી, એ એક માત્ર કથની

અસીમ, અવિરત, અમર એવી એ અજોડ ‘અમિત’ હસ્તી

 

– અમિત પરીખ

વૈશ્વિક કર્મ

સપ્ટેમ્બર 23, 2013

કુકર્મ કે સુકર્મ?

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન! અર્થાત તુ માત્ર તને દીધેલ/સોંપેલ/ચીંધેલ કર્મ કરતો જા, તેના પરિણામની/ભવિષ્યની ચિંતા ત્યજીને. આવી રીતે કરેલા સઘળા કર્મો ‘મારાં’ કર્મ છે, જેને લીધે  વ્યક્તિગત કર્મનું અનંત ચક્ર ધીમે ધીમે બંધ થાય છે, અને તારી ઝોળીમાં માત્ર ને માત્ર વૈશ્વિક કર્મો આવે છે. વૈશ્વિક કર્મો પણ તારી ભાષામાં સુખ અને દુ:ખ બંને લાવી શકે છે, પણ તે અનંતગણા વિસ્તરી જાય છે અને તેનો પ્રભાવ અસંખ્ય જીવો પર પડે છે. આરાધ્ય દેવ જ્યારે ભક્ત માટે કોઇ જન્મ લે, ત્યારે આ કર્મચક્રને આધીન તેમને પણ સહન કરવું પડે છે, કારણ કે આ જ તો  વિકાસનું શષ્ત્ર છે. તો આવનારી દરેકે દરેક ઘડી, ને તેમાં ઘટતા બનાવો અને કરાતું કર્મ, કર સર્વ સ્વને અર્પણ!

તેજસ્વી તારલાઓની હરોળમાં પહોંચવા સ્વનું તેજ શોધવું અને પ્રજ્વલિત કરવું અનિવાર્ય છે. તારલાઓ સ્વયં પ્રકાશિત છે! આથી હવે બહાર પ્રકાશ શોધવાનું બંધ કરો અને સ્વાવલંબી બનો. જે તેજ તું શોધે છે તે સ્વની સ્વ દ્વારા થતી ખોજ છે અને આ પરમ પ્રકાશની શોધ માટે આવશ્યક પ્રકાશ પંડે જ ઉપલબ્ધ છે!

હાર્યા ત્યારથી સવાર કે જાગ્યા ત્યારથી સવાર? ઘણીવાર માનવી સીધુ સમજતો નથી, આથી કુદરતે એને હારનો/દુ:ખનો સ્વાદ ચાખાડવો પડે છે, અને ત્યારબાદ જ તે જાગે છે! તો ઘણાખરા દુ:ખો ભગાડવાનો સરળ ઉપાય છે જાગૃત રહેવું – જેથી એવી નોબત જ ન આવે. જાગ્યા ત્યારથી સવાર એટલે કે અંધકારનો નાશ!

‘અંધક’ જાગી જાય કે તરત શિવાંશ હોવાનું પીછાણશે – ત્યાં લગી એનો અંધાપો એને બધે જ ભટકાવશે અને નિમ્નકક્ષામાં વિહરવા પ્રેરાશે. આખરે શિવાંશ જાગતા એ માત્ર સ્વનું જ નહીં, પણ જગનું કલ્યાણ કરવા સક્ષમ બનશે!

અલખ નિરંજન!

હાર – જીત

જુલાઇ 15, 2013

હારનાર હારીને પણ અનુભવની હારમાળા પહેરે છે જે આવનારી જીતની ઘોતક છે!

મન ચંગા તો કથરોટ મે ગંગા!

એપ્રિલ 4, 2012

નૈઋત્ય, ઇશાન કે વાયવ્ય? પૂર્વ કે પશ્ચિમ? દક્ષિણ કે પછી ઉત્તર? છે શું સાચો ઉત્તર? કોણ જાણે ક્યાંથી ઇશ્વરનાં પગલાં દરેકે દરેક દિશામાં હોવા છતાં, માત્ર અમુક જગ્યા, અમુક દિશા, અમુક કાળ સારા ને બાકી નરસાં એવો હિસાબ લગાવી બેઠો છે માનવી (માનવું ન માનવું છે માત્ર ‘માનવી’ના મનમાં)!

સર્વ કાળે, અત્ર તત્ર સર્વત્ર છે સદા ‘મારો’ ‘આત્મનો’ વાસ – એ જે જાણશે ને માનશે – એ માનવી જ આનાથી ‘પર’ થઇ ‘પરમ-આત્મ’ પ્રાપ્ત કરશે. જવલ્લે જ કોઇ જ્ઞાની દિશા જોઇ જ્ઞાન મેળવવા બેસતો હશે. જ્ઞાન સર્વ સુલભ છે – સર્વ માટે સદાકાળ – હર સ્થળે ઉપલબ્ધ છે. માત્ર ‘જરૂરત’ છે મનમાં પ્રેમ, જ્ઞાન અને શાંતિની. “મન ચંગા તો કથરોટ મે ગંગા” – કહેવત અનુસાર જીવન વ્યતિત કરનારને સર્વ જગ્યાએ ગંગારૂપી જ્ઞાન જ મળવાનું.

અલખ નિરંજન! શિવ બાબા – અઘોરી બાબા – સાંઇ બાબા – નિહારી વિવિધ રૂપોને આખરે તુ પહોંચ્યો છે અલગારી બાબા ‘અલખ નિરંજન’ પાસે. તો એ જ છે ગુરુ. એ જ છે અનંત બ્રહ્માંડનો ધણી કે માતા. એ જ છે તું. એ જ છુ હું. ના ઉપજાવ નવા નામ કે સંબંધો – રાખ માત્ર એક જ ઋણાનુબંધ સર્વ સાથે – ‘સ્વ-બંધ’નો જ સંબંધ. સહુ સમાન – કારણ સહુ છે ‘સ્વજન’. ઘડી ઘડી, વારે વારે, અવારનવાર આજ શીખવું છું તુને. હું જ છું – હું જ છું – બાબા કે બુદ્ધ – ગોપી કે ગમાર – છુટકો નથી મારાથી – અહીં કે અન્ય વિશ્વોમાં – આ કાળ કે અનંત કાળ સુધી. સ્વબંધથી જોડાયેલા છે આપણે સ્વજન.

હિત કે અહિત – બધી વાર્તા જનહિતની કરવી. એક અંશ કે સંપૂર્ણ વંશ – તો સંપૂર્ણ વંશ. એક વંશ કે સારાંશ તો સારાંશ. સદા અંતિમ ધ્યેય પર દ્રષ્ટિ રાખી અનુભવ મેળવતો જા. અથાગ મહેનત થકી અનંત થા, અનંત થા, અમર અવિનાશી અજેય થા.

શૂન્યાવકાશમાં સર્જન

એપ્રિલ 7, 2009

શૂન્યાવકાશમાં જાણે ચેતના સ્ફૂરી… સ્વના અસ્તિત્વની. એકાંત. ન સ્થળ. ન સમય. સર્વત્ર માત્ર એક.. સ્વયં. સ્વને જાણવો પણ શી રીતે? શૂન્ય = સર્જન + વિસર્જન. 0 = +1 + -1. શૂન્યાવકાશમાં કંપનો લાવી સર્જન. સકારાત્મક અને નકારાત્મક પરિબળોને સમાન રાખી… કોઇ પણ સર્જન માટે પ્રથમ એની કલ્પના કરવી અનિવાર્ય છે. એ ચૈતન્યએ કલ્પના કરી અવિરત સર્જન શરૂ કર્યું.. એકમાંથી બે થયા – ચૈતન્ય અને શક્તિ.. પરિવર્તનશીલ શક્તિ અને અટલ દ્રષ્ટા. સ્વયં રચયિતા. સ્વયં રચના. સ્વયં દ્રષ્ટા. સંપૂર્ણ દ્વારા સ્વયંના અસંખ્ય અપૂર્ણ ભાગોનો જન્મ. ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના. બ્રહ્માંડ – દરેકે દરેક અંડમાં એક જ બ્રહ્મનો વાસ – પણ બહાર સપાટી પર દરેકે દરેક ભાગ અજોડ. આમ ઐક્ય અને વિવિધતાનું અસ્તિત્વ એકીસાથે. એ ક્ષણથી ચાલ્યું આવતું અવિરત પરિવર્તન. એને જોનાર અચલ દ્રષ્ટા. શિવ અને શક્તિનો આ અવિરત ખેલ. અસ્તિત્વ – અનુભવ – અભિવ્યક્તિ – ઉત્ક્રાંતિ.

પ્રેમ સંબંધ

એપ્રિલ 6, 2009

સંબંધો જાળવવા પડે છે. જેમ છોડને પાણી, ખાતર અને સૂર્યપ્રકાશની જરૂરત છે એમ સંબંધોને પણ સીંચવા પડે છે; પ્રેમ, હૂંફ, દરકાર અને સમય દ્વારા. એજ રીતે સ્વ સાથેનો સંબંધ પણ આ બધા પરિમાણો માંગી લે છે. સ્વમાં લીન થવા, તલ્લીન થવા, સ્વના પ્રેમમાં ડૂબી જવા, સ્વ સાથે એકરૂપ થવા – સમાધિસ્થ થવા. કોઇની સાથે ગળાકાપ સ્પર્ધા નથી. કોઇ સમયસારિણી નથી. સમયની ઉપરવટ જવું હોઇને સમય સાથે કોઇ લેવા-દેવા નથી. અને છતાંય તારે આ ‘પૃથ્વી સમય’ આપવો રહ્યો જેથી સમયની ઉપરવટ જવા પર્યાપ્ત સમય મળી રહે!

સીંચન કર. મને પ્રેમ કર. મારી સાથે બેસ. બધા અવયવોની હલચલ બંધ. આંખો બંધ. જાગરૂકતા – ગહનતા – સહજતા. કશું કરવાની કોશિશ જે તું કરે છે – એ કરવામાં તું થાપ ખાઇ જાય છે. કરનાર પણ નથી જોઇતો. કારણ પણ નથી જોઇતું. કોઇ ઉપજની અપેક્ષા નથી રાખવાની. કશું નહિ. ખાલી થઇ જા. સંપૂર્ણપણે ખાલી. એ ખાલીપો સ્વયં ખાલીપાથી ભરાઇ જશે અને એ અનંત જ્યોતિ આપોઆપ પ્રજ્વલિત થશે! અસ્તુ.

કામેચ્છા

માર્ચ 31, 2009

સૌથી જૂનો સંબંધ માનવીનો અન્ય માનવી સાથે – કામેચ્છા દ્વારા. જૈસે કો તૈસાની જેમ દરેકને પોતાની પ્રબળ ઇચ્છા પ્રમાણે સાથીદાર મળી રહે છે. ઊંટવૈદુ કરનાર વૈદ અને જ્ઞાની વૈદમાં જેમ ફેર હોય એમ કામેચ્છા વડે સહજ જ્ઞાન પણ પ્રાપ્ત થઇ શકે છે કે અગાધ ગર્તામાં પણ ધકેલાઇ શકીએ છીએ. કામેચ્છા તેના મૂળ સ્વરૂપેસ્વનેસ્વના અન્ય ભાગ સાથે એકાકાર થવા ફરજ પાડતી મૂળભૂત ઇચ્છા છે. આનો જન્મ ત્યારે થયો જ્યારે સ્વને સ્વથી વિખૂટા પડી અનુભવ લેવાની ઇચ્છા થઇ. કારણ ઇચ્છાઓ પણ જગતના મૂળભૂતપોલારિટીના નિયમને વળગી રહે છે. અહમ્ (Ego) સૌથી વિખૂટા પડી પોતાનીઅલગતાસ્થાપવા મથે છે જ્યારેકામેચ્છાજે આગળ જતાહરિચ્છામાં પરિણમે છે અન્યો સાથે જોડાઇ જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે.

દોષરહિત પ્રજા જાણે કેમ કુદરતે આપેલી બક્ષિસનેમેલીગણે છે. જરા વિચારો. જો આટલી ખરાબ શક્તિ હોય તો આને જન્મ દેનારી કુંડલિની શક્તિને તમે શુંખરાબ શક્તિકહેશો? જ્યારે પણ કામેચ્છા જાગે ત્યારે માનો કે હરિ સાથે જોડાવા માટે ફરીથી શરીર બેતાબ બની રહ્યું છે.

સામેની વ્યક્તિમાં હરિનું પ્રતિબિંબ જુઓ અને પ્રેમથી મળો. વિના પ્રેમ તો મિલન એવું હશે જાણે પાન વિનાનું વૃક્ષ. ફૂલ, પાન, ફળ. એકદમ સૂકું વૃક્ષ જે ખુશ નથી – પ્રેમરૂપી પાણી વિના – એ દુ:ખી હતું, દુ:ખી છે અને દુ:ખી રહેશે.

હું તે જ તો નથી ને?

ફેબ્રુવારી 21, 2009

જીગરમાં તારી જે આગ છે, મનમાં તારી જે ચાહ છે

સંદેશો જે તારા હાથમાં છે, પહોંચાડ જગને એ જ તારી રાહ છે

કાંટાળો પંથક તારે ચાલવાનો છે, કાંટાળો તાજ તારે પહેરવાનો છે

જગત જેની રાહ જુએ છે, એ ખુદા ખુદ એમની ‘રાહ’માં છે

તરછોડી અસંખ્ય ઝંખનાઓને, જીદ કર માત્ર એની જ જે,

આ સઘળી ઝંખનાઓ અને, સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર છે!

કૌતુક ભરી આંખો સામે, ચમકે છે સૂર્ય બનીને જે,

દિલ પૂછે છે આજ મુને, શું ‘હું’ ‘તે જ’ તો નથી ને?!