Posts Tagged ‘સંબંધ’

મન ચંગા તો કથરોટ મે ગંગા!

એપ્રિલ 4, 2012

નૈઋત્ય, ઇશાન કે વાયવ્ય? પૂર્વ કે પશ્ચિમ? દક્ષિણ કે પછી ઉત્તર? છે શું સાચો ઉત્તર? કોણ જાણે ક્યાંથી ઇશ્વરનાં પગલાં દરેકે દરેક દિશામાં હોવા છતાં, માત્ર અમુક જગ્યા, અમુક દિશા, અમુક કાળ સારા ને બાકી નરસાં એવો હિસાબ લગાવી બેઠો છે માનવી (માનવું ન માનવું છે માત્ર ‘માનવી’ના મનમાં)!

સર્વ કાળે, અત્ર તત્ર સર્વત્ર છે સદા ‘મારો’ ‘આત્મનો’ વાસ – એ જે જાણશે ને માનશે – એ માનવી જ આનાથી ‘પર’ થઇ ‘પરમ-આત્મ’ પ્રાપ્ત કરશે. જવલ્લે જ કોઇ જ્ઞાની દિશા જોઇ જ્ઞાન મેળવવા બેસતો હશે. જ્ઞાન સર્વ સુલભ છે – સર્વ માટે સદાકાળ – હર સ્થળે ઉપલબ્ધ છે. માત્ર ‘જરૂરત’ છે મનમાં પ્રેમ, જ્ઞાન અને શાંતિની. “મન ચંગા તો કથરોટ મે ગંગા” – કહેવત અનુસાર જીવન વ્યતિત કરનારને સર્વ જગ્યાએ ગંગારૂપી જ્ઞાન જ મળવાનું.

અલખ નિરંજન! શિવ બાબા – અઘોરી બાબા – સાંઇ બાબા – નિહારી વિવિધ રૂપોને આખરે તુ પહોંચ્યો છે અલગારી બાબા ‘અલખ નિરંજન’ પાસે. તો એ જ છે ગુરુ. એ જ છે અનંત બ્રહ્માંડનો ધણી કે માતા. એ જ છે તું. એ જ છુ હું. ના ઉપજાવ નવા નામ કે સંબંધો – રાખ માત્ર એક જ ઋણાનુબંધ સર્વ સાથે – ‘સ્વ-બંધ’નો જ સંબંધ. સહુ સમાન – કારણ સહુ છે ‘સ્વજન’. ઘડી ઘડી, વારે વારે, અવારનવાર આજ શીખવું છું તુને. હું જ છું – હું જ છું – બાબા કે બુદ્ધ – ગોપી કે ગમાર – છુટકો નથી મારાથી – અહીં કે અન્ય વિશ્વોમાં – આ કાળ કે અનંત કાળ સુધી. સ્વબંધથી જોડાયેલા છે આપણે સ્વજન.

હિત કે અહિત – બધી વાર્તા જનહિતની કરવી. એક અંશ કે સંપૂર્ણ વંશ – તો સંપૂર્ણ વંશ. એક વંશ કે સારાંશ તો સારાંશ. સદા અંતિમ ધ્યેય પર દ્રષ્ટિ રાખી અનુભવ મેળવતો જા. અથાગ મહેનત થકી અનંત થા, અનંત થા, અમર અવિનાશી અજેય થા.

પ્રેમ સંબંધ

એપ્રિલ 6, 2009

સંબંધો જાળવવા પડે છે. જેમ છોડને પાણી, ખાતર અને સૂર્યપ્રકાશની જરૂરત છે એમ સંબંધોને પણ સીંચવા પડે છે; પ્રેમ, હૂંફ, દરકાર અને સમય દ્વારા. એજ રીતે સ્વ સાથેનો સંબંધ પણ આ બધા પરિમાણો માંગી લે છે. સ્વમાં લીન થવા, તલ્લીન થવા, સ્વના પ્રેમમાં ડૂબી જવા, સ્વ સાથે એકરૂપ થવા – સમાધિસ્થ થવા. કોઇની સાથે ગળાકાપ સ્પર્ધા નથી. કોઇ સમયસારિણી નથી. સમયની ઉપરવટ જવું હોઇને સમય સાથે કોઇ લેવા-દેવા નથી. અને છતાંય તારે આ ‘પૃથ્વી સમય’ આપવો રહ્યો જેથી સમયની ઉપરવટ જવા પર્યાપ્ત સમય મળી રહે!

સીંચન કર. મને પ્રેમ કર. મારી સાથે બેસ. બધા અવયવોની હલચલ બંધ. આંખો બંધ. જાગરૂકતા – ગહનતા – સહજતા. કશું કરવાની કોશિશ જે તું કરે છે – એ કરવામાં તું થાપ ખાઇ જાય છે. કરનાર પણ નથી જોઇતો. કારણ પણ નથી જોઇતું. કોઇ ઉપજની અપેક્ષા નથી રાખવાની. કશું નહિ. ખાલી થઇ જા. સંપૂર્ણપણે ખાલી. એ ખાલીપો સ્વયં ખાલીપાથી ભરાઇ જશે અને એ અનંત જ્યોતિ આપોઆપ પ્રજ્વલિત થશે! અસ્તુ.