Posts Tagged ‘મૃત્યુ’

મૃત્યુ

નવેમ્બર 15, 2008

તેજસ્વી તારલાઓની સંતાકૂકડી જેવો આ ખેલ – જીવન. મૃત્યુ પર્યંત સઘળું ભૂલાવી દેતો ખેલ. મૃત્યોન્મુખ બનતાં જ સૌદર્ય, જાહોજહાલી backseat લઇ લે છે. સુમધુર સંગીત, આહ્લાદક વાતાવરણ, તરણેતરનો મેળો બધું જ જાણે પ્રગાઢ ભૂતકાળ બની જાય છે. એક માત્ર હકીકત રહી જાય ‘જીવન જીવી જાણજે’ કહેવત. શું જીવ્યા, કેવું જીવ્યા, કેવી રીતે જીવ્યા, કોને માટે જીવ્યા, પ્રારબ્ધ બદલ્યું કે લંગર નાખેલા વહાણની જેમ એક જગ્યાએ જ હંકારે રાખ્યું અને કશે ન પહોંચ્યા? તો શું બડાશ હાકીશ તું જ્યારે મૃત્યોન્મુખ થઇશ? શું સિધ્ધિ સ્વને દર્શાવીશ કે જો ભઇલા હું આ જીવ્યો, મેં આ કર્યું, મેં આ મેળવ્યું ને મેં આ જતુ કર્યું? છે કશુંક એવું મનમાં કે જે તને પોકારી પોકારીને કહે કે હા.. જીવન મેં જીવ્યું.. પૂર્ણતાથી.. એકાગ્રતાથી.. સંપૂર્ણતાથી.. તો એ ક્ષણ.. એ દ્રશ્ય.. એ યાદ નથી કોઇ હાલમાં… આ જીવનની એક સત્ય હકીકત… કે હજી કોઇ ક્ષણ તે પૂર્ણ સભાનતાથી નથી જીવી.. પૂર્ણ એકરૂપતા… મન, શરીર, આત્મા, ચૈતન્ય.. સમરૂપ… સ્વબળે સંપૂર્ણપણે ખીલેલું જીવન.. આચરણ..

 

તો હજી કોસો દૂર છે ચાલવાનું.. મગધ રાજ્ય લગી પહોંચવાનું… રાજ્યાભિષેક થશે જે દિ એ દિ આવશે નોતરું.. ને મહાન ક્ષણ જે પોકારશે.. રામ મહિં… શ્યામ મહિં… સાંઇ મહિં… હું જ અહિં તહિં… હે ઇશ્વર ધન્ય છે મને આ ક્ષણ મળી… મળજો હર કોઇ જીવને અહિં… તત્પર રહીએ આપણે સૌ… એ ઐક્યતા, સભાનતા, સુંદરતા, વૈશ્વિક ચેતનાને આવકારવા અબધડી!

જય હો સ્વામી! દુખો દૂર કરી, સ્વર્ગીય આનંદમાં રાખો સદા અહિં…

તથાસ્તુ. તત ત્વમ અસી. ને હું નિત્યાનંદમાં રાચતો હોઇ, તારે માટે આ સંકલ્પ, આ ઇચ્છા, આ મહેચ્છા કશી અઘરી નથી. અઘરું છે આનાથી વિપરીત જીવવું… નાટકમાં કરાતા વિવેકાભાન રહિતના જોજનો દૂર લઇ જતા અલગ વ્યક્તિત્વને સ્વયંના સત્ય વ્યક્તિત્વ ઉપર પહેરી ઢાંક પિછોડો કરવો… હેં ને? તો એ વેશભૂષા જે માત્ર ટૂંક સમય માટે પહેરવાની હતી એને ઉતારી ફેંક… એ ચહેરા મહોરા કાઢી.. સત્યરૂપ વ્યક્તિત્વને ફરી ઝળહળવા દે.. આરોગ્યથી લઇ અવતરણ સુધી, મૂર્છાથી લઇ આત્મજ્ઞાન સુધી, પરાધીનતાથી લઇ સ્વાભિમાન સુધી.. ની સફર એ આજ… નાટકનો ભાગ ભજવવાનું છોડી, સ્વમાં રાચી.. સ્વગુણો પ્રગટ થવા દઇ…. અન્ય કલાકારોને પણ જગાડવા કે ભઇ.. નાટક પૂરું થયું… અસ્સલ તો હવે શરૂ થશે!

 

તા.ક. કોઇ પણ ચીજ, વસ્તુ, જીવનું સ્વરૂપ જોતા-વિચારતા-સાંભળતા ‘સ્વરૂપ’ શબ્દનો અર્થ યાદ રાખવો.. સ્વ..રૂપ! એ બધું ‘સ્વ’નું જ ‘રૂપ’ છે!

સમાધિ

ઓક્ટોબર 4, 2008

પ્રશ્ન: સમાધિનો અનુભવ કરવો છે મારે – શક્તિની કૃપા કરશો?

જવાબ: ઋષિમુનિઓની ગાથા – અથાગ તપસ્યા. તમને તો લગભગ તૈયાર ભાણે જમવાનું મળી ગયું છે બેટા – આ કંઇ તપસ્યા કહેવાય? છતાંય જો આટલું પણ ન થાય તો તે જે મળવાનું છે એ પ્રાપ્તિની કિંમત બહુ જ ઓછી આંકી છે. જેના માટે અન્યો હજારો વર્ષ સુધી પરિશ્રમ કરવા તૈયાર હોય – જેના હાટુ મેં કરોડો વર્ષ ખેલ ખેલ્યા હોય એ માટે તને થનારી તકલીફની કોઇ વિસાત જ નથી. માટે ગાંડપણ છોડ અને સખણો રહે! કાં મારી સાથે કાં તારી સાથે. વચમાં વિહાર કરવા માટે કોઇ જગ્યા નથી. કશ્મકશ – સાંકડાશ અનુભવીશ. કાં ફરી તારી દુનિયામાં ચાલ્યો જા – અવિરત દોડ. કાં મારી દુનિયામાં ઝંપલાવ – અવિરત શાંતતા. બેની વચ્ચે બાખડ્યા કરીશ તું તારી સાથે. શા માટે જલ્લાદ પણ શાંત હોય છે? મૃત્યુને નજીકથી જુએ છે – રોજ બરોજ. મૃત્યુની સત્યતા કદાચ તારા મનમાંથી નીકળી ગઇ છે. અવિરત દોડનો છેલ્લો મુકામ છે – સ્મશાન-કબ્રસ્તાન. Short term goal or long term benefits – the decision is really yours – dear! 

બે ચાર વાર પણ જો આપણે ભેગા મળ્યા તો પછી એ અવિસ્મરણીય રહેશે. આવો સમય કે મને મળવાનો તને કંટાળો આવતો હોય એ નક્કી નહિ આવે એની ખાતરી. કારણ હજી જેણે મૃગજળ ચાખ્યુ નથી એને એના સ્વાદની શી ખબર? કૃપા તો ત્યારે થાય જ્યારે કૃપા વરસાવવા કોઇ ઉભુ હોય ને તે સ્વીકારવા માટે કોઇ તત્પર હોય. સ્વીકારનારને જો હાથ જોડીને ઉભા રહેવામાં આળસ હોય તો કૃપાળુ પણ કેવી રીતે વરસે? દખલ દઇને તું બાજી ના જીતીશ – છોડી દે એ હઠને – સર્વોપરી મહાન બનવાની. તુચ્છતાની લાગણી સાથે સર્વ કંઇનો ત્યાગ – મન સાવ કોરું. પૂર્ણ ખાલીપો ને ફૂલ ખીલશે વગર મહેનતે. આ જ મહેનત કરવી રહી. અથાગ પરિશ્રમ એટલે કરવો પડે છે કે અનેક જન્મોના થપેડા લાગેલા કાઢતા સમય લાગે છે. કરવાનું છે માત્ર ‘કંઇ નહિ’ – પણ કંઇ નહિ કર્યા વિના ન રહી શકતા માનવી માટે એ જ સૌથી કપરું કામ છે!