Posts Tagged ‘મનનના સવાલો’

મનનના સવાલો

ઓક્ટોબર 4, 2008

નવ વર્ષનો મનન આમ તો એની વયના બાળકો જેવો જ તોફાની અને રમતિયાળ હતો. પણ એક બાબત એનામાં બધાં કરતાં નોખી હતી. એ સવાલોનો દરિયો હતો અને સવાલો પણ એવા કે સુનામીના ભયાનક મોજાઓની જેમ ઉછળીને ભલભલાને ડરાવી દે.

આજે મનન ઘણે દિવસે લાલાની સેવા કરતા દાદીની બાજુમાં બેઠો હતો. દાદીની પૂજા પૂરી થઈ એટલે એમણે મનનને પ્રસાદનો ચોખ્ખા ઘીનો લાડુ આપ્યો. મનને લાડુ ખાતા ખાતા પૂછ્યું :
‘દાદી તમે રોજ આ લાલાની સેવા કેમ કરો છો ?’
‘કારણકે એ સર્વશક્તિમાન ભગવાન છે.’
‘આટલા નાના ?’
‘અરે એ તો શ્રીકૃષ્ણ નાના હતાં ને તે સ્વરૂપ છે. તને દાદાએ કૃષ્ણ ભગવાનની વાર્તાઓ કીધી છે ને.’
‘હા પણ તો તમે એ મોટા કૃષ્ણની પૂજા કેમ નથી કરતાં ? મોટા થઈને એ બગડી ગયા’તા ?’
‘અરે પાગલ એવું બોલાય ? એ તો મને લાલા સ્વરૂપે ગમે છે એટલે એની સેવા કરું છું.’

મનનની ઉત્કંઠા વધી ગઈ. ‘તો તમને હું વધુ ગમું કે આ લાલો ?’
‘અરે ગાંડા, ભગવાન અને માણસ વચ્ચે સરખામણી હોય ? તું તો મારો લાડલો જ છે ને.’
‘તો દાદી તમે મને વઢીને કારેલાનું શાક ખવડાવો છો અને આ લાલાને રોજ બધું ભાવતું જ આપો છો. કારેલા પણ ભગવાને જ બનાવ્યા છે ને તો એમને જ કેમ ન ભાવે ?’
‘હેં ?’ દાદી આ સવાલથી થોડા ડરી ગયા કે ક્યાંક હવે મનન એના ગજબના સવાલોનો મારો ન ચાલુ કરી દે.
‘સારું એને પણ કાલથી કારેલા આપીશ બસ, ખુશ ?’

‘હા ! પણ દાદી તમે મારી આરતી કેમ નથી કરતા ?’
‘તારી આરતી ? શું કરવા ?’
‘કેમ, આ પથ્થરની આરતી થાય તો મારી કેમ નહિ ? મારામાં પણ ભગવાન છે, પૂછો દાદાને.’ દાદી હવે ગુસ્સે થયા. તેમને લાગ્યું કે હવે જો આને નહિ અટકાવુંને તો ભારે સવાલો પૂછશે.
‘મંદા….એ મંદા…..’
‘આવી બા.’ મનનની મમ્મી દોડતી આવી.
‘શું થયું બા ?’
‘અરે આ તારા ગાંડાને લઈ જા અહીંથી…વાહિયાત સવાલો કરીને મારું માથું ખાય છે.’ આમ કહીને દાદી ત્યાંથી સરકી ગયા.
‘કેમ મનન ? તને ના પાડેલીને દાદીને સેવા સમયે હેરાન કરવાની ?’ મંદાથી દીકરાને ગુસ્સામાં મોટેથી બોલાઈ ગયું.
‘પણ મમ્મી સેવા તો પતી ગઈ હતી !’ મનનનો જવાબ સાંભળી મંદાએ એના ગોરા ગાલ પર એક જોરદાર લાફો ચોડી દીધો એટલે રડતો રડતો મનન દાદા પાસે પહોંચી ગયો. દાદાએ શું થયું પૂછતા બધી વાત કરી અને દાદી અને મમ્મીની ફરિયાદ કરી.

‘રડ નહિ બેટા. હું વઢીશ તારા દાદીને અને મમ્મીને બસ ?’ મનન થોડો શાંત થયો.
‘તો જરા હસ હવે….’
‘ના… પહેલા તમે મને જવાબ આપો….તમે મારી પૂજા કેમ નથી કરતા ?’
‘અરે બેટા…પૂજા ભગવાનની થાય…માણસની નહિ.’
‘તો તમે મને ખોટું કેમ કીધું ?’
‘અરે મેં શું ખોટું કીધું તને ?’
‘કેમ તમે મને કહ્યું હતું કે બ્રહ્માંડના કણ કણમાં ભગવાનનો વાસ છે – તો શું મારામાં નથી ?’
‘છે ને.’
‘આ ગાર્ડનમાં પડેલા પથ્થરમાં નથી ?’
‘છે ને.’
‘આ બાથરૂમની ટાઈલ્સમાં નથી ?’
‘હેં ! બાથરૂમમાં ?’
‘કેમ નથી ? ભગવાન પણ શું સારી સારી જગ્યામાં જ રહે છે ?’
‘હં..ના…ના… એવું નથી…પણ….’ દાદા પણ હવે એના સવાલોથી કંટાળ્યા, ‘હે રામ ! મં…’ હજી દાદા બોલે એ પહેલા મનને જ બૂમ પાડી ‘મંદા…એ મંદા… આને લઈ જા તો !’

આજે રવિવાર હોવાથી અજય ઘેર હતો. ધંધામાં થોડી તકલીફ હોવાથી તણાવને કારણે અજ્ય આજે સવારથી સિગારેટ ફૂંકતો હતો. મનન પપ્પા ઘેર હોવાથી એમને ફૂટબોલ રમવા જીદ કરી રહ્યો હતો.
‘ના પાડીને તને ! મારો મુડ નથી, તું દાદા સાથે રમ.’ અજય સિગારેટના કસ લેતો મનનને વઢ્યો.
‘કેમ પપ્પા ગુસ્સે થાઓ છો ?’
‘અરે ગુસ્સે ક્યાં થયો બેટા…. એક કામ કર… તું તારું લેશન પતાવી દે એટલે આપણે સાંજે ફરવા જઈશું.’
‘પણ લેશન તો છે જ નહિ.’
‘તો પાઠ વાંચ.’
‘કયો પાઠ વાંચુ, પપ્પા ?’
‘અરે મારા બાપ ! તારે જે કરવું હોય એ કર…. મારું ભેજું નહિ ખા.’ અજય ગુસ્સામાં સિગારેટના વધુ દમદાર કસ લેવા લાગ્યો.

મનન અજયની મોઢામાં રાખેલી સિગારેટ સામું જોતો હતો. ‘પપ્પા તમને નાનપણમાં ટોટીની આદત હતી ?’
‘હેં ? કેમ ?’
‘ના આ સિગારેટ તમારા મોઢામાં જોઈને મને બાજુવાળા આન્ટીને ત્યાંનો ગટુ યાદ આવી ગયો. એ પણ આખો દિવસ આવી રીતે ટોટી મોઢામાં રાખીને ફરતો હોય છે. ફરક એટલો કે એમાંથી ધૂમાડો નથી નીકળતો.’
અજય દ્વિધામાં પડી ગયો. શું જવાબ આપવો ? એટલે એણે સિગારેટ ફેંકી દીધી. ‘ચાલ આપણે ફૂટબોલ રમીએ.’ મનનના સવાલો બંધ કરવાનો આ સરળ માર્ગ હતો. રમતગમતમાં મનન ખૂબ પ્રવીણ હતો. ફૂટબોલ રમવામાં એ બધું જ ભૂલી જતો. ગાર્ડનમાં પપ્પા સાથે અડધો કલાક રમ્યો ત્યાં મંદાએ બૂમ પાડી, ‘અજ્ય તને મળવા કોઈ આવ્યું છે….અંદર આવ.’
‘પપ્પા, એને કહો ને કાલે આવે…’
‘જીદ નહિ કર મનન. હું થોડીવારમાં આવું છું.’ પપ્પા ગયા એટલે મનન એકલો એકલો રમવા લાગ્યો.

ત્યાં દાદા બગીચામાં વાવેલા છોડને પાણી પાવા આવ્યા. ‘દાદા ફૂટબોલ રમો ને.’
‘કેમ ભાઈ, હૉસ્પિટલ ભેગો કરવો છે મને ?’ બંને હસી પડ્યા. દાદા સાથે મનન પણ છોડને પાણી પાવા લાગ્યો.
‘દાદા… તમે આને પાણી કેમ પાવો છો ?’
‘બેટા, જેમ આપણને જીવવા માટે પાણી જોઈએ એમ છોડને પણ જોઈએ એટલે. અને ઝાડ વાવવા કેટલા સારા છે એ તો તને ભણવામાં આવતું જ હશે ને ?’
‘એમ નહિ દાદા… તમે આ નાના છોડને પાણી પાવો છો ને પેલા ફેક્ટરી સામેના ચાર મોટા ઝાડને તોડી પાડ્યા ? એવું કેમ ?’
‘એ તો બેટા નડતા હતા એટલે તોડી પાડ્યા. દીકરા, જીવનમાં આપણે નફા નુકશાનને જોઈને કામ કરવું જોઈએ. ઝાડ ઉગાડવા સારા, પણ જો આપણી પ્રગતિમાં આડે આવતા હોય, તો તેને તોડી પાડવામાં જ શાણપણ છે.’

‘તો તો દાદા…’ મનન આગળ બોલવું કે નહિ એ વિચારમાં પડી ગયો.
‘શું થયું ? બોલ, અટકી કેમ ગયો ?’
‘હું પપ્પાની ફેક્ટરીમાં ગયો હતો ને ત્યારે પપ્પા મમ્મીને કહેતા હતા કે….. તમે ફેક્ટરીની બાબતમાં માથું મારો છો ને એ એમને નડે છે અને ધંધાની પ્રગતિ નથી થતી….એટલે હવે પપ્પા તમને પણ દૂર કરી દેશે ?’ દાદાને માથે આભ ફાટ્યું. અજય તેમના વિશે આવું વિચારે છે એની તો એમને કલ્પના જ નહોતી. મનને દાદાના મનમાં તોફાન લાવી દીધું. પણ પોતે અજયને આ વાત પૂછશે તો અજય મનન પર ગુસ્સો કાઢશે એમ વિચારીને દાદા ચૂપ રહ્યા. તે દિવસથી દાદાએ સ્વેચ્છાએ જ ફેકટરી જવાનું બંધ કરી દીધું !

આમ ને આમ દિવસો વીતતા ગયા. મનનના સવાલો વધુ ને વધુ જટિલ અને ઘણીવાર આફતરૂપ બનતા ગયા. શાળામાં પણ એના માટેની ફરિયાદો વધતી ગઈ. આજે શાળાના આચાર્યે મંદા અને અજયને મનનને લઈને શાળામાં મળવા બોલાવ્યા.
‘અજ્યભાઈ… તમારો છોકરો અમારી શાળા માટે માથાનો દુખાવો બની ગયો છે.’
‘કેમ શું થયું સર ? મનન ભલે ભણવામાં ઓછા ગુણ લાવતો હશે, પણ આમ તો હોંશિયાર ને ડાહ્યો છે.’
‘હોંશિયાર ? અરે મારો બાપ છે !’
મનન જોરથી હસી પડ્યો.
‘જોયું કેવો નફફટ પણ છે !’ આચાર્યને મનનને એક લાફો ચોડી દેવાની અદમ્ય ઈચ્છા થઈ !
‘પણ તમે જરા વાતનો ફોડ પાડશો ? એણે તમને શું તકલીફ આપી છે ?’
‘તકલીફ ? અરે ભાઈ ત્રાસવાદી છે આ.’
‘કેમ ? એણે શી તોડફોડ કરી ?’
‘તોડફોડ ? અરે એના સવાલોએ બધા શિક્ષકોના દિમાગની તોડફોડ કરી નાખી છે. ત્રાસી ગયા છે બધા એનાથી. ચાલુ વર્ગે સવાલો પૂછીને પોતે પણ ભણતો નથી અને બીજાને પણ ભણવા નથી દેતો.’
‘એટલે હું કંઈ સમજ્યો નહિ. સવાલો પૂછવામાં શું ખરાબી છે ?’
‘કાંઈ નથી. એક કામ કરો. મનનને પૂછેલા થોડા સવાલો સાંભળીને તમે જ નક્કી કરો કે એમાં શું ખરાબી છે. ઈતિહાસના પાઠના સવાલો વાંચીને ભાઈ સાહેબ ઈતિહાસના શિક્ષકને પૂછે છે કે ફલાણા ફલાણા નેતાનો કઈ તારીખે જન્મ થયો, ક્યાં થયો, એમના માતા પિતા કોણ હતા, એ ક્યારે મૃત્યુ પામ્યા, ક્યાં મૃત્યુ પામ્યા ? – એ બધા વાહિયાત સવાલોથી શું શીખવા મળશે ? ભાઈ સાહેબ પાછો શિક્ષકને પૂછે કે આટલા વર્ષોથી ગાંધીજી કે ટિળકના પાઠો વાંચીને કોઈ ગાંધીજી કે ટિળક જેવું બન્યું છે ખરું ?

ગણિતના શિક્ષકને પૂછે છે 1, 2, 3… વગેરે અક્ષરોમાં એક, બે, ત્રણ શું છે ? પાછો પૂછે છે કેલ્ક્યુલેટર બજારમાં મળે છે તો ઘડિયા ગોખવા કેમ કહો છો ? એટલા સમયમાં બીજું કંઈ સારું ન ભણાવાય ?’ ભૂગોળના શિક્ષકને પૂછે છે કે પૃથ્વીનો આકાર બરાબર ગોળ નથી તો પણ વિષયનું નામ ભૂગોળ છે ? શાળામાં ઈન્સ્પેકશન ચાલુ હતું ને ઈન્સ્પેક્ટર એના વર્ગમાં હતા ત્યારે ત્યાં હાજર રહેલા અંગ્રેજી શિક્ષકને પૂછે છે ‘મા તે મા બીજા બધા વન વગડાના વા’ આ કહેવતને એટલી જ સારી રીતે અંગ્રેજીમાં કેવી રીતે કહેવાય ? બિચારા અંગ્રેજીના શિક્ષકના તો બાર વાગી ગયા. આવા તે કંઈ સવાલો પૂછાય ? અને પેલા બીચારા પી.ટીના શિક્ષક કસરત કરાવતા હતાં તો બધા વિદ્યાર્થીઓને કાનમાં શિક્ષકનું શરીર દેખાડીને કહે કે એ કહે છે એવી કસરત ના કરતા, નહિ તો એમના જેવા કડકા થઈ જશો. બીચારા શિક્ષક સુધી આ વાત પહોંચી, એમને તો એવો આઘાત લાગ્યો. આવી તે કાંઈ મજાક કરાય ? મેં એને બોલીને ધમકાવ્યો તો મને કહે છે વિદ્યાર્થીઓ માટેના નિયમો ક્યાં લખ્યા છે ? મેં પૂછ્યું તારે શું કામ છે ? તો કહે એમાં વિદ્યાર્થીઓએ સવાલ ન પૂછવા એવો નિયમ છે કે નહિ એ તપાસવું છે, બોલો ! – આવા વિદ્યાર્થીને હું શાળામાંથી કાઢું નહિ તો શું ઈનામ આપું ?’ આચાર્ય અટકયા વગર આટલું બધું બોલી તો ગયા પણ પછી હાંફવા લાગ્યા. મનન માટેનો ગુસ્સો એમની આંખોમાં સાફ દેખાતો હતો.

‘પણ શાળા તો જ્ઞાન મેળવવાનું મંદિર છે. સવાલો ત્યાં ન પૂછાય તો ક્યાં પૂછાય ?’ મંદાએ સામો સવાલ માંડ્યો.
‘જુઓ બહેન, અમારે નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ ભણાવવાનું હોય છે. આવા બધા સવાલોને અમારા અભ્યાસક્રમમાં સ્થાન નથી. અને અમે સામાન્ય શિક્ષકો છીએ. કંઈ ગુરૂકુળના મહાન ગુરૂજન નથી. આ તમારા છોકરાને કારણે મારી શાળામાં રિઝલ્ટ અસર પામી શકે છે અને એવું જોખમ હું ન લઈ શકું. અમારે અમારું સ્ટાન્ડર્ડ જાળવવાનું છે. બધા જ શિક્ષકોનું કહેવું છે કે વર્ગમાં એ સવાલો પૂછીને બહુ ખલેલ પહોંચાડે છે અને પછી એનું જોઈને બધા વિદ્યાર્થીઓ જાતજાતના સવાલો પૂછી હેરાન કરી નાખે છે.’
‘પણ સર, એના ભવિષ્યનો વિચાર કરો. તમે કહેશો એમ કરવા એ તૈયાર છે, પ્લીઝ. એને શાળામાંથી ન કાઢો.’ અજ્યે પરિસ્થિતિ સમજીને વિનંતી કરી.
‘એક શરતે એને શાળામાં રહેવા દઈએ.’
‘હા….હા… તમે કહો એ શરત મંજૂર છે.’
‘એને કહો સવાલો પૂછવાનું બંધ કરી દે અને જે ભણાવવામાં આવે તે ચૂપચાપ ગોખી લે.’
‘હા…હા.. એમાં શું મોટી વાત ?…… મનન સાંભળ્યું ને ? મને હવે તારી ફરિયાદ નહિ જોઈએ. તારે હવે શાળામાં સવાલો નહિ પૂછવાના.’
‘એક શરતે પૂછવાના બંધ કરી દઈશ, પપ્પા.’
‘લે પાછો તું પણ શરત રાખે છે ? બોલ શું લેવું છે તારે ? નવો ફૂટબોલ કે ચોકલેટ ?’
‘મને કંઈ નથી લેવું પપ્પા. જો તમે વિચારવાનું બંધ કરી શકતા હો તો હું પણ સવાલો પૂછવાનું તરત બંધ કરી દઈશ !’ મનને વિસ્ફોટ કર્યો. આચાર્ય પણ સ્તબ્ધ થઈ ગયા.
‘અજયભાઈ તમે એક કામ કરો. આને હમણાં ને હમણાં અહિંથી લઈ જાઓ. આ બાળકને ભણાવી શકે એવા શિક્ષકો અમારી પાસે નથી.’

‘પપ્પા, ચાલો અહીંથી, મને કોઈ શાળામાં મૂકવાની જરૂર નથી. સવાલો પૂછવાના હું બંધ નહિ કરી શકું. એમની પાસે જવાબો નથી તો હું જાતે જવાબો ખોળીશ. મનમાં સવાલો છે એટલે જ તો આપણે માણસ છીએ, સવાલો વિના માણસમાં અને જાનવરમાં ફેર શું ?’ આચાર્ય અવાક્ થઈ ગયા. મંદા અને અજયને પણ લાગ્યું કે મનનના સવાલો બહુ વિચિત્ર છે. વધુ વિનંતી કરવાનો કોઈ ફાયદો નથી એમ વિચારીને તેઓ ઊભા થઈ ગયા. આચાર્યથી અનાયાસે ‘હા…શ….’ બોલાઈ ગયું !

મનને શાળામાં જવાનું છોડી દીધું, પપ્પા સાથે ફેક્ટરી પર જવા લાગ્યો. એક દિવસ મનન અજ્યની કેબિનમાં બેઠો બેઠો વિડિયો ગેમ રમતો હતો. અજય ફોન પર વાત કરતો હતો. નવા ઘરાક પાસેથી એક કરોડ રૂપિયાનો ઑર્ડર મળતા ફોન મુકીને અજ્ય ખુશીમાં નાચવા લાગ્યો.
‘શું થયું પપ્પા ?’
‘અરે બેટા, એક કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે, આજે તો નાચવું જ પડશે. હુરરરરે !’
‘કેમ પપ્પા ? પૈસા આવે તો નાચવું જોઈએ ?’
‘અરે બેટા, આટલા બધા આવે તો બધા નાચવા લાગે.’
‘અચ્છા. એટલે જેટલા લોકો નાચે છે એ બધા પૈસા માટે નાચે છે ?’
‘હા દીકરા, આખું જગત પૈસા માટે જ નાચે છે.’
‘પણ પપ્પા, આપણી પાસે તો પૈસા છે હજી વધારે કેમ જોઈએ છે ?’
‘તારા માટે દીકરા… તારા માટે જ તો આટલું કામ કરું છું.’
‘કેમ ?’
‘કેમ એટલે….મોટો થઈને તું જીવન માણી શકે ને એટલે.’
‘તો તમે ક્યારે જીવન માણી શકશો ?’
‘હું ? હં…. બસ થોડા કરોડ રૂપિયા કમાઈ લઈએ પછી હું પણ જીવન માણી શકીશ…’
‘કેટલા કરોડ પપ્પા ?’
‘હં….દસ કરોડ.’
‘દસ કરોડ બસ થઈ ગયા પપ્પા ?’
‘હં…હા દસ કરોડ આમ તો આપણને બહુ થઈ ગયા. કદાચ વીસ કરોડ બસ થશે.’
‘એટલે વીસ કરોડ આવી જાય પછી તમે મારી સાથે રમ્યા કરશો ?’
‘એમ થોડી રમ્યા કરાય દીકરા. કામ તો કરવું પડે ને ?’
‘તો પછી ફાયદો શું વીસ કરોડનો ?’
‘કેમ, આપણે કેટલી બધી વસ્તુઓ ખરીદી શકીએ….’
‘પણ તમે તો મને ન જ મળો ને. તમે ક્યારે આરામ કરશો ?’
‘એ તો તું ધંધો સંભાળી લઈશ પછી મને આરામ જ આરામ.’
‘પણ ત્યારે મારે કામ કરવું પડશે ને…. પાછો મારો છોકરો ધંધો સંભાળે ત્યાં સુધી ?’
‘હેં ? હા….’
‘તો ફાયદો શું ? આપણે ક્યારે સાથે રમી શકીશું ?’

અજય પાસે જવાબ નહોતો. પણ આ સવાલે એને વિચારતો કરી મૂક્યો.
‘ચાલ બેટા…. આજે ઘેર વહેલા જઈને ફૂટબોલ રમીએ ! અને હા સાંભળ….. આજથી તારા બધા જ સવાલો તું મને પૂછજે. લાગે છે મારે તારી પાસેથી બહુ શીખવાનું છે.’
‘કેમ પપ્પા ? તમે તો ભણેલા છો ને ?’

‘હા દીકરા…. પણ હું નાનો હતો ત્યારે કદાચ મારા સવાલો બીજા બધાની જેમ મનમાં જ રહી ગયા હતા.’

——-
રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2006’ માં તૃતિય સ્થાન મેળવનાર કૃતિ