Posts Tagged ‘ચૈતન્ય’

શૂન્યાવકાશમાં સર્જન

એપ્રિલ 7, 2009

શૂન્યાવકાશમાં જાણે ચેતના સ્ફૂરી… સ્વના અસ્તિત્વની. એકાંત. ન સ્થળ. ન સમય. સર્વત્ર માત્ર એક.. સ્વયં. સ્વને જાણવો પણ શી રીતે? શૂન્ય = સર્જન + વિસર્જન. 0 = +1 + -1. શૂન્યાવકાશમાં કંપનો લાવી સર્જન. સકારાત્મક અને નકારાત્મક પરિબળોને સમાન રાખી… કોઇ પણ સર્જન માટે પ્રથમ એની કલ્પના કરવી અનિવાર્ય છે. એ ચૈતન્યએ કલ્પના કરી અવિરત સર્જન શરૂ કર્યું.. એકમાંથી બે થયા – ચૈતન્ય અને શક્તિ.. પરિવર્તનશીલ શક્તિ અને અટલ દ્રષ્ટા. સ્વયં રચયિતા. સ્વયં રચના. સ્વયં દ્રષ્ટા. સંપૂર્ણ દ્વારા સ્વયંના અસંખ્ય અપૂર્ણ ભાગોનો જન્મ. ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના. બ્રહ્માંડ – દરેકે દરેક અંડમાં એક જ બ્રહ્મનો વાસ – પણ બહાર સપાટી પર દરેકે દરેક ભાગ અજોડ. આમ ઐક્ય અને વિવિધતાનું અસ્તિત્વ એકીસાથે. એ ક્ષણથી ચાલ્યું આવતું અવિરત પરિવર્તન. એને જોનાર અચલ દ્રષ્ટા. શિવ અને શક્તિનો આ અવિરત ખેલ. અસ્તિત્વ – અનુભવ – અભિવ્યક્તિ – ઉત્ક્રાંતિ.

ભવિષ્ય

નવેમ્બર 28, 2008

સોળે શણગાર સજીને ડોલીમાં જઇ રહેલી નવવધુને ક્યાં ખબર છે કે આગળ ગમખ્વાર અકસ્માતમાં મોત થનાર છે? એ તો એના પરમ આનંદમાં ડૂબેલી છે. નસીબ, કર્મ અને ચૈતન્ય ભેગા મળીને જીવન રૂપી તખ્તા પર અવનવા દ્રશ્યો લખ્યા હોય છે. અને આથી જ શાણપણ એમાં જ છે કે માનવી દરેકે દરેક ક્ષણ પૂર્ણતાથી – ઉત્સવની માફક ઉજવીને જીવે. પુરુષાર્થ ભરપૂર કરે, પણ સાથે પ્રારબ્ધના અસ્તિત્વને પણ સ્વીકારે. દરેક ક્ષણ જાણે કે ફિલ્મના ડાયરેક્ટરે અચાનક સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને ભજવવું પડતું પાત્ર. આમાં ચલિત થયા વિના સમભાવે દરેકે દરેક ક્ષણમાં પોતાનું પૂર્ણ અસ્તિત્વ લગાવીને પાત્ર ભજવશે એ જ સફળ થશે. પૂર્ણ ધ્યાન છે પૂર્ણતા પર – સ્વના વિકાસ પર – સ્વની અભિવ્યક્તિ પર – સ્વના સંતોષ પર – પૂર્ણ સ્ક્રિપ્ટ અને ચલચિત્રની સફળતા પર – દરેકે દરેક પાત્રોને આવરી લેતી – સફળતા પર. આમ જ્યારે પૂરી કાસ્ટ પૂર્ણતાથી પોતપોતાનું કાર્ય કરે છે ત્યારે જ બને છે એક અવિસ્મરણીય ચલચિત્ર – જેને જોનાર પોકારી ઉઠે – આફરિન! વાહ શું કામ કર્યું છે! અને એ એને જોનાર, કામ કરનાર – દરેકે દરેક માટે વિકાસનું એક સાધન બની જાય – જીવનનું એ એક આગવું પ્રતિક બની જાય.

આમ જ્યારે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ પણ મોતની રાહ જોતું દર્દમાં ઇશ્વરને પોકારી પોકારીને લઇ લેવા માટે કહેતું હોય ત્યારે એને પણ ક્યાં ખબર છે કે થોડે દૂરથી આવતી એમ્બ્યુલંસમાં બેઠેલા ડૉક્ટર્સ એને જીવાડી દેશે.. અને એ હરતો ફરતો થઇ જશે!

આનું નામ સંચિત કર્મ, પ્રારબ્ધ, ચમત્કાર કે જે માનવું હોય તે!

તો ભવિષ્યની ચિંતા છોડી – વર્તમાનમાં જીવો સાંઇદાસ!

સાક્ષીભાવ

નવેમ્બર 14, 2008

નળ સરોવર વિક્સિત પ્રદેશ છે કે અવિક્સિત એ જોનારાની દ્રષ્ટિ પર નિર્ભર કરે છે. જે પ્રકૃતિને પ્રેમ કરે છે એને ત્યાં સૌદર્યના દર્શન થશે અને એના થકી ઇશ્વરના. જ્યારે જેને મન શરીર માટેની સુવિધાઓ વિકાસ છે એને માટે એ હજી ‘અવિક્સિત’ પ્રદેશ છે જે હજી ઘણો ગંદો અને પછાત છે. આમ તારી આવરદા દરમિયાન એવો સમય આવશે જ્યારે તને લાગશે કે આ નકામો કે નિષ્ફળતા વાળો સમય છે. પણ મારી દ્રષ્ટિથી એ ખરેખર ઉચ્ચ સિધ્ધિ પામવાનો સમય છે. ભૂખ્યો વરૂ કેવી વર્તણૂંક કરશે? તરસ્યો મરવાને આરે હોઇને પાણીનું દાન કરી શકશે? આ સ્વપ્નોમાં પણ થઇ શકે છે અને હકીકતમાં પણ. સ્વપ્નોમાં જો તું જાગૃત નહિ હોય તો એમાંથી શીખવાનું ઓછું થઇ જશે.. ઘણું ઓછું.  દ્રષ્ટા હંમેશાં જાગ્રત હોવો જોઇએ. કોઇ પણ વિકટ કે સારી પરિસ્થિતિમાં. અને તું એની સાથે identify થા. એ નિર્દોષ, અચલ સાક્ષીભાવ સાથે. એ કોઇ persona નથી. એ સાવ impartial છે. તારી ચેતનાને બે ભાગમાં વિભાજીત કર. એક ભલ ‘તું’ રહેતો – જ્યાં સુધી તું માને છે એના અસ્તિત્વમાં – અને એક એ અટલ સાક્ષીભાવ. ધીરે ધીરે એ સાક્ષીભાવ forefront માં આવી જશે અને persona પાછળ background માં. આ સ્થિતિ અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરવા દ્યોતક છે. ઉદઘાટન કર ‘હમણાં’ થી.. એ બેઉ એકબીજાના પૂરક છે. ‘Now’ અને તટસ્થ સાક્ષીભાવ. એ સાક્ષીભાવ ભવિષ્યમાં નહિ લાવી શકાય કે નહિ ભૂતકાળમાં, તું જ્યારે identify થઇશ એની સાથે તું આપોઆપ સત્ય રૂપી આ ‘ક્ષણ’ માં સરકી જઇશ. જે ખૂબ મહત્ત્વનું છે. તારા માનસિક સંતુલન અને વિકાસ માટે પણ આ પગલું અત્યંત જરૂરી છે. આ એ જ ચમત્કારિક ક્ષણ છે જ્યાંથી હર ક્ષણે સંપૂર્ણ જગત ‘આવી રહ્યું છે’ – ‘નવનિર્મિત થઇ રહ્યું છે’… becoming.. becoming.. 

ચૈતન્યને વહાલો છે ‘તું’.. ડર મા.. સઘળા સારાવાના થશે. ખરાબ સમય તને તારા base nature સાથે તારી ઓળખાણ કરાવે છે. તારી અંદર રહેલા શેતાનને જગાડે છે અને તારી conscious awareness માં લાવે છે. જ્યાં સુધી તું તારા આ limited self ને સંપૂર્ણપણે ઓળખી નહિ લે ત્યાં સુધી આ વિરાટ ‘સત્ય’ ને જાણવું શક્ય નથી. ઢાંકપિછોડો જરૂરી નથી. જે જેમ છે એમ બહાર આવવા દે તારી ચેતનાના પટલ પર.. ને ત્યાંથી બાષ્પીભવન થઇ વિખરી જવા દે. ચૈતન્ય મહાપ્રભુજીની બેઠક તારા હ્રદયમાં – એ સાક્ષીભાવમાં છે જે મગજ અને મનથી ‘પર’ છે. એ અટલ અચલ અમર સત્યરૂપ વર્તમાન ક્ષણમાં સ્થિર થા – આ જ સાધના છે – આ જ ધ્યાન છે – આ જ સમાધિ છે.

બિમારી

ઓક્ટોબર 6, 2008

બિમારી, રૂદન, દુ:ખ આપવીતી થાય ત્યારે જ એની મહત્તા અને તે સાથેની માનવીની વર્તણૂંક સમજાય છે. દુ:ખ કે સુખ સમત્વથી જોવા એ મહાન સિધ્ધિ છે. આથી જ્યારે દુ:ખ આવે ત્યારે પણ ચલિત ન થાય એ મહાન યોગી. ભોગી ભોગશે અને રોશે. બંને જરૂરી છે અને આવશે જ. યોગી નહિ ભોગે અને નહિ રોવે. અટલ નજરેથી બંનેને જોશે અને સ્વમાં મગ્ન રહેશે. આ તારે પ્રયોગમાં લાવવા માટે શ્રેષ્ઠ સમય છે. ખરાબમાં ખરાબ બિમારીમાં પણ અંદર એક ‘સ્વસ્થ’ તટસ્થ ભાવ છે. એ જાગ્રત કર. એમાં રચ્યો-પચ્યો રહે. બિમારી તારું કશું  બગાડી શકવાની નથી. બિમારી ને સ્વસ્થતા ચલિત છે – બ્રહ્માંડના નિયમોને આધીન છે. પણ તારું ચૈતન્ય કોઇ નિયમોને આધીન નથી. એ સ્વયં નિયમોનો રચયિતા છે. તો જ્યારે તું એ સ્વમાં સ્થિર થઇશ આ બધાથી ‘પર’ થઇ જઇશ. ધ્યાન રાખજે ‘ધ્યાન’નું – સ્વમાં રચ્યા પચ્યા રહી તટસ્થ ભાવે બહાર ઘટિત થતું સર્વ નીરખવાનું અને શીખવાનું.

ચૈતન્ય મહાપ્રભુજી

ઓક્ટોબર 4, 2008

સર્વેસર્વા એવા ચૈતન્ય મહાપ્રભુજીની બેઠક સ્વયંના હ્રદયમાં રાખી હોવા છતાં બહાર શોધવી તમારા સામર્થ્યની છડી પોકારે છે! જાણી જોઇને મનમાં અંધકાર પેસવા દઇને ત્યારબાદ પ્રકાશની ખોજમાં નીકળવું! જોયુંને માયારૂપી જગતમાં માયારૂપી ચશ્મા પહેરી શોધી રહ્યો છે માયાના મૂળને! માણસ માત્ર ભૂલને પાત્ર! 

યેનકેન પ્રકારેણ માયારૂપી ચશ્મા ઉતારીને સાક્ષીરૂપ દ્રષ્ટા બનીને નિહાળ આ જગતને – સ્વયંને – એ જ ચૈતન્ય નાચી રહ્યું છે – હર પળ – હર સ્થળ – હર જીવ – નિર્જીવમાં. છોળો ઉછાળી ઉછાળીને સમુદ્ર આહ્વાન કરી રહ્યો છે – આવ.. ભેટ મુને – એકાકાર થઇ જાઓ આ નિરાકારમાં – સ્વયં, સ્વયંને પોકારી રહ્યો છે – ગરકાવ થઇ જા મુજમાં… ગરકાવ થઇ જા મુજમાં… 

ચીલ ઝડપે આગળ વધતો જ્ઞાની પણ છેલ્લે સૂકાયેલા વૃક્ષની જેમ કરમાઇ જાય છે – કારણ હવે દોટનો અર્થ નથી. નીરવતામાં ગરકાવ થઇ જવા બધી દોટ નકામી છે – પછી એ દોટ વિચારોની હોય, આસ્થાની હોય, પૂજાની કે કર્મોની.. શાંતતા – તન, મન, પ્રાણ, શ્વાસ, વિચારો.. સઘળા શાંતતાને સમર્પણ કરી.. નીરવતાને વર… સમય, સ્થળ, રૂપ.. સઘળાની આહુતિ. ન રહે જીવન, ન રહે મૃત્યુ. ન રહે રાહ, ન રહે મંઝિલ. ન રહે શબ્દ, ન રહે શાંતિ. શૂન્યાવકાશની કલ્પના પણ શૂન્યાવકાશથી દૂર લઇ જનારી છે. કોઇ પણ કલ્પના, માન્યતા, વિચાર, ઉત્તેજના, સવાલ, હલનચલન, બાધક છે પૂર્ણતાને વરવામાં.

સંપૂર્ણને પામવા સંપૂર્ણ ખાલીપો છે જરૂરી, અમિત. 

ઠાલવી દે બધું જ – સર્વસ્વ. દોસ્તો, સગાં, વિચારો, કલ્પના, આકાંક્ષા, ઇચ્છા, પૈસા, શક્તિ, વ્યક્તિત્વ… હોમી દે સર્વસ્વ… તો જ સમજાશે … तत् त्वम असि

આત્મા

ઓક્ટોબર 3, 2008

હીરો બનવું હોય તો પૃથ્વીના પેટાળમાં ભયંકર દબાણ સહન કરી વિકાસ પામવો પડે એમ આત્મ પ્રાપ્તિ માટે મનુષ્ય દેહ પામી સ્વને ઓળખવો પડે. એમાં કષ્ટ છે, પણ no gain without pain.

આત્મા આમ એક સાધન છે નિરાકારનું – આકાર લઇ અવતરવા માટે -શ્રેષ્ઠ છે એ પરમાત્માની જેમ જ પણ – એક છૂટો અંશ – જે હજારો વર્ષોની યાત્રા કરી – સ્વબળે સ્વને ઓળખી – પોતાના ચૈતન્ય સ્વરૂપને ઓળખી યાત્રા પૂરી કરે છે. 

ત્યારબાદ એ પોતાની દુનિયાનો ખરા અર્થમાં સ્વામી બને છે. પરમાત્મા જેવા ગુણોથી ભરપૂર એ શુદ્ધ આત્મા ઉચ્ચતમ જગતમાં પોતાનો ડંકો વગાડે છે અને સાથે સાથે નિમ્ન સ્તરમાં રહેલા જગતમાં પોતાના જ અવતારોના ઉત્થાનમાં મદદરૂપ થાય છે.

આત્માનો જન્મ એટલે જાણે અબુધ બાળકનો જન્મ. શક્તિઓથી ભરપૂર પણ વિકાસ નથી થયો. ચેતના હજુ સુષુપ્ત અવસ્થામાં છે. વિશાળ શક્તિઓ હજી પોટલામાં બંધ છે. જેમ જેમ એ અભિવ્યક્ત કરતો જાય – સ્વેચ્છાએ સ્વબળે સ્વનો વિકાસ સાધે – અને ધીરે ધીરે બધા પરિબળોને કાબૂમાં લઇ એના સર્જનકર્તા પરમાત્મા જેવો થતો જાય- આખરે બુદ્ધત્વ પામતા પોતાના સ્વરૂપને ઓળખી – બ્રહ્મમાં લીન થઇ શકે છે. પરમાત્મા – આત્મા – શરીર એક એકમ તરીકે કામ કરે છે – અને એ જન્મ આપે છે દૈવી અભિવ્યક્તિને – શાંતતાને ખોળો મળે છે પોતાને અભિવ્યક્ત કરવાનો – સૃજનકર્તા પોતાના સર્જનને માણી શકે છે – એ જ ખરો ધ્યેય છે… રમત, અભિવ્યક્તિ, વિકાસ… સર્જન.. મૃત્યુ… પણ વિકાસ અવિરત ચાલુ રહે છે… દરેકે દરેક ભાગનો.. એમ કરતા એકંદરે એ એકચેતનાનો.. જેણે પોતાને અસંખ્ય ભાગોમાં વિભાજિત કરી છે… જેથી અભિવ્યક્તિ, વાર્તાલાપ, સર્જન શક્ય બને.