Posts Tagged ‘આત્મા’

હું કોણ છું?

ઓક્ટોબર 4, 2008

“હું કોણ છું?” આ પ્રશ્ન પર વિચાર કરતા જવાબ એમાં જ સમાયેલો જણાય છે. આ સવાલમાં જ એક સનાતન સત્ય “હું.. છું” છુપાયેલું છે. અહિં પ્રશ્નકર્તા સ્વયં પોતાના અસ્તિત્વ વિશે પૂર્ણપણે સભાન છે. સવાલ ‘ઓળખ’નો છે, ‘અસ્તિત્વ’નો નહિ. પણ ‘હું કોણ છું’ આ પ્રશ્ન એ જાણે કે બીજાને પૂછી રહ્યો છે. જાણે કે પ્રશ્નકર્તા માને છે કે તેના સિવાય કોઇક ‘અન્ય’ છે જે કદાચ એને પોતા કરતાં વધુ સારી રીતે જાણે છે! પણ શું કદી કોઇ ‘અન્ય’ આપણને આપણાં કરતાં વધુ સારી રીતે ઓળખી શકે?

જો આપણે સ્વ્યંના શરીરને જોવું હોય, તો એક જ માર્ગ છે. આપણે આપણું પ્રતિબિંબ જોવું પડશે. દુનિયાની કોઇ પણ વ્યક્તિની મદદ લઇ લો. વધુમાં વધુ એ આપણને એક અરીસો ધરી શકશે કે જેમાં આપણે સ્વયંને જોઇ શકીએ. 

“હું કોણ છું” પ્રશ્ન પર ઊંડાણથી વિચારતા જણાશે કે આ પ્રશ્નના સાક્ષી પણ આપણે સ્વયં જ છીએ. જાણે કે સ્વયંનો એક નાનકડો ભાગ સંપૂર્ણ સ્વયંને પૂછી રહ્યો હોય. જેમ કે સાગરના જળનું એક ટીપું સાગરને પ્રશ્ન કરી બેસે ‘હું કોણ છું?’. આ એક ટીપું પોતાની ઓળખની શોધમાં વરાળ બની સાગરથી છૂટું પડી મુશ્કેલ યાત્રા પર નીકળી પડે છે. આખરે વરસાદનું ટીપું બની પર્વત પરથી પથ્થરો સાથે અફળાતું અફળાતું છેલ્લે જ્યારે ફરી સાગરની પાસે પહોંચે છે, ત્યારે એને પોતાની ખરી ‘ઓળખ’ યાદ આવે છે અને ‘હું સાગર છું’ નો પોકાર કરી આનંદમાં ઝુમતું ઝુમતું સાગરમાં વિલીન થઇ જાય છે. કદાચ સાગર પોતાની ભવ્યતા, વિશાળતા સ્વયં કદી નહિ ઓળખી શકત. પણ એના જ એક ટીપાં થકી સાગર પણ સ્વયંની ભવ્યતાને ઓળખી શક્યો. આ સંગમથી સાગર પણ એટલો જ આનંદ મેળવે છે, જેટલું કે એ ટીપું. 

શું આપણે પણ આ સાગરના એક ટીપાંની જેમ સ્વયંમાં છુપાયેલા મહાન સાગર (આત્મા) ને આ સવાલ પૂછી રહ્યા છીએ? શું આ જીવન-મરણની કઠીન યાત્રા આખરે એ સાગરને ઓળખી એમાં ભળી જવા માટે છે? 

એક યોગી (ટીપું) જ્યારે આત્મજ્ઞાન (સ્વયંની ઓળખ) મેળવે છે, ત્યારે એ પણ પેલા સાગરના ટીપાંની જેમ ‘અહમ્ બ્રહ્માસ્મિ’ (હું સાગર છું) પોકારતો આનંદના મહાસાગર (આત્મા) માં ભળી જાય છે. હું સાગરથી અલગ છું એ માત્ર ટીપાંની અજ્ઞાનતા છે. ચાલો, ‘હું કોણ છું’ આ પ્રશ્ન પર ઊંડાણથી વિચાર કરી સત્યની ખોજનો પ્રારંભ કરીએ. 

આત્મા અને પરમાત્મા વચ્ચે ફરક શું છે?

ઓક્ટોબર 3, 2008

ચિનગારી અને આગ. બેઉ એક જ છે કે અલગ? પરમાત્મા એટલે પરમ આત્મા. આત્મા પણ પરમ જ છે કારણ પરમમાંથી ઉત્પન્ન થતું સર્વ પરમ જ હોવાનું. પ્રકાશથી પ્રકાશ જન્મે તો ફરક શું? હું અપ્રગટમાંથી પ્રગટ થાઉં તો પૂરો કેવી રીતે પ્રગટ થાઉં? અપ્રગટ તો શક્યતાઓની ભરમાર છે… તો એ ક્ષણે અપ્રગટમાંથી જે ‘એક’ પ્રગટ થશે તે અમુક-તમુક ગુણો લઇને પ્રકાશપુંજ તરીકે બહાર આવશે.

સુહાના સફર ઔર યે મૌસમ હઁસી! હું એકાંતમાં..પ્રેમથી છલોછલ.. રચના તો મારે કરવી જ રહી.. તો કરી..

ખેતર, પંખી, કલરવ…. તે કવિતા લખી. હકીકતમાં એ શક્યતા તરીકે પ્રગટી. આપણે એને ઉપજાવી કાઢી.. પ્રકાશપુંજથી પંખી! આજ તો કરામત છે.. મુજમાંથી મુજને જન્માવી ‘મુજ વીતી તુજ વીતશે’ એવું કહી શક્યો.. (હાસ્ય).. તમાશો…ખેલ… સૃષ્ટિ… અખંડ આનંદ… ભયંકર દુ:ખ… એકાંત… સાથ… એક.. અનેક.. વિવિધતા.. સુંદરતા.. સરખી પણ નોખી.. માતા..પિતા.. પુત્ર..હું.. તું.. આપણે ખોવાતા ખોવાતા રમતા ગયા..રમતા ગયા.. કોણ આત્મા.. કોણ પરમાત્મા..કોણ ઇશ્વર..બધુ વીસરી ગયા!

તો હવે પાછું જાવું છે? તો હું આ રહ્યો.. હું તો અહીં જ હતો.. તારી સાથે ને સાથે.. અનંત કાળથી!

દાસ – દુર્જન – દુ:ખી જન – દીન – અમીર – જવાન – પ્રૌઢ – હું – તું – કલ્પના – કાળ – અત્ર તત્ર સર્વત્ર – હું જ છું!

આત્મા

ઓક્ટોબર 3, 2008

હીરો બનવું હોય તો પૃથ્વીના પેટાળમાં ભયંકર દબાણ સહન કરી વિકાસ પામવો પડે એમ આત્મ પ્રાપ્તિ માટે મનુષ્ય દેહ પામી સ્વને ઓળખવો પડે. એમાં કષ્ટ છે, પણ no gain without pain.

આત્મા આમ એક સાધન છે નિરાકારનું – આકાર લઇ અવતરવા માટે -શ્રેષ્ઠ છે એ પરમાત્માની જેમ જ પણ – એક છૂટો અંશ – જે હજારો વર્ષોની યાત્રા કરી – સ્વબળે સ્વને ઓળખી – પોતાના ચૈતન્ય સ્વરૂપને ઓળખી યાત્રા પૂરી કરે છે. 

ત્યારબાદ એ પોતાની દુનિયાનો ખરા અર્થમાં સ્વામી બને છે. પરમાત્મા જેવા ગુણોથી ભરપૂર એ શુદ્ધ આત્મા ઉચ્ચતમ જગતમાં પોતાનો ડંકો વગાડે છે અને સાથે સાથે નિમ્ન સ્તરમાં રહેલા જગતમાં પોતાના જ અવતારોના ઉત્થાનમાં મદદરૂપ થાય છે.

આત્માનો જન્મ એટલે જાણે અબુધ બાળકનો જન્મ. શક્તિઓથી ભરપૂર પણ વિકાસ નથી થયો. ચેતના હજુ સુષુપ્ત અવસ્થામાં છે. વિશાળ શક્તિઓ હજી પોટલામાં બંધ છે. જેમ જેમ એ અભિવ્યક્ત કરતો જાય – સ્વેચ્છાએ સ્વબળે સ્વનો વિકાસ સાધે – અને ધીરે ધીરે બધા પરિબળોને કાબૂમાં લઇ એના સર્જનકર્તા પરમાત્મા જેવો થતો જાય- આખરે બુદ્ધત્વ પામતા પોતાના સ્વરૂપને ઓળખી – બ્રહ્મમાં લીન થઇ શકે છે. પરમાત્મા – આત્મા – શરીર એક એકમ તરીકે કામ કરે છે – અને એ જન્મ આપે છે દૈવી અભિવ્યક્તિને – શાંતતાને ખોળો મળે છે પોતાને અભિવ્યક્ત કરવાનો – સૃજનકર્તા પોતાના સર્જનને માણી શકે છે – એ જ ખરો ધ્યેય છે… રમત, અભિવ્યક્તિ, વિકાસ… સર્જન.. મૃત્યુ… પણ વિકાસ અવિરત ચાલુ રહે છે… દરેકે દરેક ભાગનો.. એમ કરતા એકંદરે એ એકચેતનાનો.. જેણે પોતાને અસંખ્ય ભાગોમાં વિભાજિત કરી છે… જેથી અભિવ્યક્તિ, વાર્તાલાપ, સર્જન શક્ય બને.