Archive for the ‘મારા વિચારો’ Category

શૂન્યાવકાશમાં સર્જન

એપ્રિલ 7, 2009

શૂન્યાવકાશમાં જાણે ચેતના સ્ફૂરી… સ્વના અસ્તિત્વની. એકાંત. ન સ્થળ. ન સમય. સર્વત્ર માત્ર એક.. સ્વયં. સ્વને જાણવો પણ શી રીતે? શૂન્ય = સર્જન + વિસર્જન. 0 = +1 + -1. શૂન્યાવકાશમાં કંપનો લાવી સર્જન. સકારાત્મક અને નકારાત્મક પરિબળોને સમાન રાખી… કોઇ પણ સર્જન માટે પ્રથમ એની કલ્પના કરવી અનિવાર્ય છે. એ ચૈતન્યએ કલ્પના કરી અવિરત સર્જન શરૂ કર્યું.. એકમાંથી બે થયા – ચૈતન્ય અને શક્તિ.. પરિવર્તનશીલ શક્તિ અને અટલ દ્રષ્ટા. સ્વયં રચયિતા. સ્વયં રચના. સ્વયં દ્રષ્ટા. સંપૂર્ણ દ્વારા સ્વયંના અસંખ્ય અપૂર્ણ ભાગોનો જન્મ. ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના. બ્રહ્માંડ – દરેકે દરેક અંડમાં એક જ બ્રહ્મનો વાસ – પણ બહાર સપાટી પર દરેકે દરેક ભાગ અજોડ. આમ ઐક્ય અને વિવિધતાનું અસ્તિત્વ એકીસાથે. એ ક્ષણથી ચાલ્યું આવતું અવિરત પરિવર્તન. એને જોનાર અચલ દ્રષ્ટા. શિવ અને શક્તિનો આ અવિરત ખેલ. અસ્તિત્વ – અનુભવ – અભિવ્યક્તિ – ઉત્ક્રાંતિ.

વિચારો વિશે વિચારો !

ઓક્ટોબર 4, 2008

આપના મગજ માટે થોડા રસપ્રદ સવાલો

 • શું મન મગજની અંદર છે કે પછી મગજ મનની અંદર?
 • શું તમે વિચારોને વિચારો છો કે તમારું મગજ સ્વતંત્ર રીતે વિચારોને ઉત્પન્ન કરે છે? કે પછી વિચારો મગજની બહાર ક્યાંક બીજે જન્મ પામે છે?
 • જો આપ એમ માનતા હો કે તમારા વિચારોને તમે વિચારો છો તો પછી તમે એમને ચાહો ત્યારે અને જેટલો સમય ઇચ્છો એટલો સમય માટે બંધ કરી શકવા શક્તિમાન હોવા જોઇએ. શું તમે વિચારોને રોકી શકો છો?
 • શું તમે એ વિચારી શકો છો કે તમે જે વિચારો વિચારી રહ્યા છો એ તમે નથી વિચારતા એવું કોણ વિચારી રહ્યું છે?
 • તમે એક મિનિટમાં કેટલા વિચારો વિચારો છો એ ગણીને કહો.
 • તમે એક ક્ષણે એકીસાથે કેટલા વિચારો વિચારી શકો છો?
 • શું તમે એ વિચારી શકો છો કે તમારો હવે પછીનો વિચાર શું હશે?
 • તમે બે વિચારોની વચ્ચે કેટલો સમય વિચારરહિત રહી શકો છો? શું તમે આ સમયગાળો શોધી શકો છો? શું તમે આ સમયગાળો વધારી શકો છો?
 • જ્યારે હું ભૂતકાળ વિશે વિચારું છું, તો હું ભૂતકાળમાં સરકી જાઉં છું. જ્યારે હું ભવિષ્ય વિશે વિચારું છું, તો હું ભવિષ્યમાં સરકી જાઉં છું. જો હું વિચારીશ નહીં તો હું સદાકાળ વર્તમાનમાં રહી શકીશ! શું વર્તમાન વિશે તમે કંઇ વિચારી શકો છો?
 • હું મારી અંદર રહેલા હંમેશાં વિચારો કરનાર મનને સાક્ષી ભાવે જોઇ શકું છું. પણ હું મનને જોઇ રહેલાં એ સાક્ષીને કઇ રીતે જોઉં?
 • પહેલું કોણ, એ મગજ કે જેણે પ્રથમ વિચારને જન્મ આપ્યો કે એ વિચાર કે જેણે પ્રથમ વિચારી શકવા સમર્થ મગજને જન્મ આપ્યો?
 • શું તમે એવું કાંઇક વિચારી શકો છો જે પહેલાં કદી કોઇએ વિચાર્યું ન હોય?
 • શું તમે અહીં આપેલા શબ્દોને મનમાં કોઇ પણ પ્રકારનો વિચાર, પ્રતિમા કે યાદ લાવ્યા વિના વાંચી શકો છો?  દેડકો   આગ   રામ   કાતર
 • તમારી આંખો બંધ રાખીને વિચારોમાં ગુંચવાયા વિના શું તમે વિચારોને સાક્ષીભાવે નિહાળી શકો છો?
 • આ બધાં વિચારો કઇ જગ્યાએ માહિતી સાચવતા હશે? એક હાથી વિશે વિચારો. એ તમારા મનમાં કઇ જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે?
 • ક્યારેક આપણે વિચારીએ છીએ કે આપણે આમ કરવું જોઇએ અને બીજી જ ક્ષણે વિચારીએ છીએ કે આપણે એ ન કરવું જોઇએ. તો શું તમારી અંદર તમારી સાથે વિચારનાર અન્ય પણ કોઇ છે?

હું કોણ છું?

ઓક્ટોબર 4, 2008

“હું કોણ છું?” આ પ્રશ્ન પર વિચાર કરતા જવાબ એમાં જ સમાયેલો જણાય છે. આ સવાલમાં જ એક સનાતન સત્ય “હું.. છું” છુપાયેલું છે. અહિં પ્રશ્નકર્તા સ્વયં પોતાના અસ્તિત્વ વિશે પૂર્ણપણે સભાન છે. સવાલ ‘ઓળખ’નો છે, ‘અસ્તિત્વ’નો નહિ. પણ ‘હું કોણ છું’ આ પ્રશ્ન એ જાણે કે બીજાને પૂછી રહ્યો છે. જાણે કે પ્રશ્નકર્તા માને છે કે તેના સિવાય કોઇક ‘અન્ય’ છે જે કદાચ એને પોતા કરતાં વધુ સારી રીતે જાણે છે! પણ શું કદી કોઇ ‘અન્ય’ આપણને આપણાં કરતાં વધુ સારી રીતે ઓળખી શકે?

જો આપણે સ્વ્યંના શરીરને જોવું હોય, તો એક જ માર્ગ છે. આપણે આપણું પ્રતિબિંબ જોવું પડશે. દુનિયાની કોઇ પણ વ્યક્તિની મદદ લઇ લો. વધુમાં વધુ એ આપણને એક અરીસો ધરી શકશે કે જેમાં આપણે સ્વયંને જોઇ શકીએ. 

“હું કોણ છું” પ્રશ્ન પર ઊંડાણથી વિચારતા જણાશે કે આ પ્રશ્નના સાક્ષી પણ આપણે સ્વયં જ છીએ. જાણે કે સ્વયંનો એક નાનકડો ભાગ સંપૂર્ણ સ્વયંને પૂછી રહ્યો હોય. જેમ કે સાગરના જળનું એક ટીપું સાગરને પ્રશ્ન કરી બેસે ‘હું કોણ છું?’. આ એક ટીપું પોતાની ઓળખની શોધમાં વરાળ બની સાગરથી છૂટું પડી મુશ્કેલ યાત્રા પર નીકળી પડે છે. આખરે વરસાદનું ટીપું બની પર્વત પરથી પથ્થરો સાથે અફળાતું અફળાતું છેલ્લે જ્યારે ફરી સાગરની પાસે પહોંચે છે, ત્યારે એને પોતાની ખરી ‘ઓળખ’ યાદ આવે છે અને ‘હું સાગર છું’ નો પોકાર કરી આનંદમાં ઝુમતું ઝુમતું સાગરમાં વિલીન થઇ જાય છે. કદાચ સાગર પોતાની ભવ્યતા, વિશાળતા સ્વયં કદી નહિ ઓળખી શકત. પણ એના જ એક ટીપાં થકી સાગર પણ સ્વયંની ભવ્યતાને ઓળખી શક્યો. આ સંગમથી સાગર પણ એટલો જ આનંદ મેળવે છે, જેટલું કે એ ટીપું. 

શું આપણે પણ આ સાગરના એક ટીપાંની જેમ સ્વયંમાં છુપાયેલા મહાન સાગર (આત્મા) ને આ સવાલ પૂછી રહ્યા છીએ? શું આ જીવન-મરણની કઠીન યાત્રા આખરે એ સાગરને ઓળખી એમાં ભળી જવા માટે છે? 

એક યોગી (ટીપું) જ્યારે આત્મજ્ઞાન (સ્વયંની ઓળખ) મેળવે છે, ત્યારે એ પણ પેલા સાગરના ટીપાંની જેમ ‘અહમ્ બ્રહ્માસ્મિ’ (હું સાગર છું) પોકારતો આનંદના મહાસાગર (આત્મા) માં ભળી જાય છે. હું સાગરથી અલગ છું એ માત્ર ટીપાંની અજ્ઞાનતા છે. ચાલો, ‘હું કોણ છું’ આ પ્રશ્ન પર ઊંડાણથી વિચાર કરી સત્યની ખોજનો પ્રારંભ કરીએ. 

શું ઇશ્વર ખરેખર બધે જ છે?

ઓક્ટોબર 4, 2008

આપણે આપણા જીવનમાં ‘ઇશ્વર બધે જ છે’ વાક્ય કેટલી વાર સાંભળ્યું છે? અને આપણે આ સનાતન સત્ય વિશે જીવનમાં ખરેખર કેટલી વાર વિચાર્યું છે? ઇશ્વર બધે જ છે – બધે એટલે કોઇ વિશિષ્ટ જગ્યા પર નહિ – બધે જ! જો આપણે ખરેખર આ સરળ વિધાનને સમજી લઇએ તો, એમાં આપણા આખા જીવનને બદલવાની ક્ષમતા છે. આ સરળ સનાતન સત્ય આ ગ્રહ પર ચાલનારા લગભગ દરેક મહાત્મા દ્વારા કહેવામાં આવ્યું છે અને પૃથ્વી પરના બધા જ ધર્મોમાં એનો ઉલ્લેખ છે. 

જો ઇશ્વરે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન ‘શૂન્યાવકાશ’માંથી કર્યું હોય, તો સૃષ્ટિમાં જે કંઇ પણ અસ્તિત્વમાં છે ‘એ બધું જ’ ઇશ્વરમાં જ છે! હવા, પથ્થર, વૃક્ષ, પશુ, પક્ષી કે માનવ, ઇશ્વર બધે જ વિદ્યમાન છે. આથી આપણે ઇશ્વરને ‘જે છે એ બધું જ’ અથવા ‘અસ્તિત્વ’ તરીકે પણ સંબોધી શકીએ છીએ. 

ઇશ્વર સંપૂર્ણ ભૌતિક જગતમાં છે તેમજ બીજ બધા ‘અપાર્થિવ’ વિશ્વોમાં પણ છે! ઇશ્વર મંદિરમાં પણ છે અને મંદિરની બહાર, આપણા શયનખંડમાં, આપણા બાથરૂમમાં, કચરાપેટીમાં અને આપણા બધા વિચારોમાં (ખરાબ વિચારો સહિત) પણ છે! જો આપણે એમ જ માનીએ કે ઇશ્વર માત્ર ‘સારી’ વસ્તુઓ અને માત્ર ‘સારી’ જગ્યાઓમાં જ છે, તો આપણે આપણા ધર્મ અને માન્યતાઓના પાયાનું જ ખંડન કરીશું. એ ‘ખરાબ વસ્તુઓ’, ‘ખરાબ લોકો’ અને ‘ખરાબ જગ્યાઓ’નું સર્જન કોણે કર્યું અને એમને કોણ ચલાવી રહ્યું છે? જો ઇશ્વરની મરજી વિના કાંઇ ન થઇ શકે, તો આટલી બધી ‘ખરાબ’ ઘટનાઓ કેવી રીતે ઘટી શકે?

ચાલો આ સનાતન સત્ય પર જરા વધુ મનન કરીએ. ઇશ્વર બધે જ છે; એટલે કે ભારત, અમેરિકા, ચીન, જાપાન, પાકિસ્તાન કે આપણા સૌર મંડળની બહારનો ગ્રહ, આ બધે જ ઠેકાણે માત્ર એક જ ઇશ્વર સંભવી શકે છે! મંદિર, મસ્જિદ, ચર્ચ કે અન્ય કોઇ પણ સ્થળ – બધે જ એક જ ઇશ્વર હયાત છે! જો તમે એમ કહો કે મારો ભગવાન અને તારો ભગવાન અલગ છે – તો શું તમારું કહેવું એમ છે કે આ સમગ્ર સૃષ્ટિ આટલી સરસ રીતે અલગ અલગ ભગવાનોના બનેલા એક જૂથ દ્વારા ચલાવવામાં આવી રહી છે? કયા ભગવાનની કઇ હદ છે? અને જો ખરેખર આટલા બધા ભગવાન હોય તો જગતમાં અરાજકતા કેમ નથી? મૂર્તિની અંદર કે બહાર, મંદિરની અંદર કે બહાર , તમારી અંદર કે બહાર – સમગ્ર સૃષ્ટિમાં એક  જ ઇશ્વરનો વાસ છે! 

જો આપણે કહીએ કે ઇશ્વર ‘અહીં’ છે તો ‘ત્યાં’ શું છે? જગતનો ‘એ’ ભાગ કોણ ચલાવી રહ્યું છે? જો ઇશ્વર માત્ર મંદિરમાં જ હોય, તો મંદિરની બહારના આ જટિલ વિશ્વનું નિયંત્રણ કોણ કરી રહ્યું છે? કરોડો વર્ષોનાં માનવના ઇતિહાસમાં શું એવું કોઇ સ્થળ બાકી હોઇ શકે કે જેણે હિંસા, અત્યાચાર, વ્યભિચાર, નફરત કે અન્ય ‘ખરાબ’ ઘટનાઓ ન જોઇ હોય? આપણે કોઇ સ્થળને ‘પવિત્ર’ અને કોઇ સ્થળને ‘અપવિત્ર’ કઇ રીતે કહી શકીએ જો ‘જે કંઇ છે’ એ ઇશ્વર જ છે? એક પથ્થર પર છીણી અને હથોડા મારીને એક ખાસ આકાર મેળવ્યા બાદ એ જ પથ્થરની પૂજા કરવામાં આવે છે! પણ એ ખાસ આકાર પહેલાં એ પથ્થરમાં શું હતું? 

આપણે ઇશ્વરને માત્ર ‘ક્યાંક’ અને માત્ર કોઇ ‘ખાસ આકાર’ કે માત્ર કોઇ ‘વિશિષ્ટ નામ’માં જોઇને માત્ર આપણી જાતને છેતરી રહ્યા છીએ અને એ એક જ શક્તિના વિવિધ રૂપો માટે એકબીજાને મારી નાખવા ને બાળી નાખવા તૈયાર થઇ જઇએ છીએ! આપણે આટલા સાદા સનાતન સત્ય ‘ઇશ્વર બધે જ છે’ નો ખરો અર્થ ક્યારે સમજીશું? આપણે આપણા ખરા ધર્મને ક્યારે અનુસરીશું? 

જો આપણે બધે જ એક જ ઇશ્વરને જોવા લાગીએ – બધા જ માનવીઓમાં (આપણા દુશ્મનો, ‘અન્ય ધર્મ’ના લોકો અને આપણે જેને નફરત કરીએ છીએ એ બધા સહિત), બધા જ પ્રાણીઓમાં (માત્ર પવિત્ર પ્રાણીઓમાં જ નહિ), બધી જ વનસ્પતિઓમાં (માત્ર પવિત્ર વનસ્પતિ જ નહિ), આપણા બધા જ વિચારોમાં અને આપણા બધા જ કાર્યોમાં; તો શું થશે? શું આપણે હમણાં જ ‘બધે જ’ ઇશ્વરને જોવાનું શરૂ કરી શકીએ છીએ?

અમિત પરીખ