Archive for the ‘કવિતા’ Category

એક ઈચ્છા…

ઓક્ટોબર 19, 2015

એક ઈચ્છા…

અનંત શૂન્યાવકાશમાં ખળભળ થઈ ગઈ

લાખો વિસ્ફોટોની હારમાળા થઇ ગઈ

જોતજોતામાં પંચતત્વોની સૃષ્ટિ થઇ ગઈ

અસંખ્ય ઇચ્છાઓની એ જનેતા થઇ ગઈ!

એક ઈચ્છા…

સત્યની શોધમાં રઝળપાટ થઇ ગઈ

લાખો વિચારોની આંધી થઇ ગઈ

ગુરૂઓ અને ગ્રંથોની ભરમાર થઇ ગઇ

અસંખ્ય સંપ્રદાયોની એ જનેતા થઇ ગઈ!

એક ઈચ્છા…

દૂર દૂર દેશ એના પર ચર્ચા થઇ ગઈ

લાખો કાગળો પર શાહીની નદીઓ થઇ ગઈ

વાંચીને કેટલીય આંખો ભીની થઇ ગઈ

અસંખ્ય ક્રાંતિઓની એ જનેતા થઇ ગઈ!

એક ઈચ્છા…

લોહીની નદીઓ વહેતી થઇ ગઈ

લાખો નિર્દોષોની કત્લેઆમ થઇ ગઈ

દર્દનાક ચીસો ઠરીઠામ થઇ ગઈ

અસંખ્ય ચિતાઓની એ જનેતા થઇ ગઈ!

– અમિત પરીખ

https://amittparikh.wordpress.com/

પંથ

જાન્યુઆરી 14, 2015

પંથ જે કાપવાનો છે તારે

પંથ જે ચાલવાનો છે તારે

એ આજ છે, એ આજ છે!

ન નામના, ન કિર્તી, ન કોઇ ફળ

ખેવના છે માત્ર સત્યની હર પળ

સત્યની શોધમાં, ને સત્યની સમજણ

જાણવી છે, ને જણાવવી છે હર પળ!

હું તે જ તો નથી ને?

ફેબ્રુવારી 21, 2009

જીગરમાં તારી જે આગ છે, મનમાં તારી જે ચાહ છે

સંદેશો જે તારા હાથમાં છે, પહોંચાડ જગને એ જ તારી રાહ છે

કાંટાળો પંથક તારે ચાલવાનો છે, કાંટાળો તાજ તારે પહેરવાનો છે

જગત જેની રાહ જુએ છે, એ ખુદા ખુદ એમની ‘રાહ’માં છે

તરછોડી અસંખ્ય ઝંખનાઓને, જીદ કર માત્ર એની જ જે,

આ સઘળી ઝંખનાઓ અને, સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર છે!

કૌતુક ભરી આંખો સામે, ચમકે છે સૂર્ય બનીને જે,

દિલ પૂછે છે આજ મુને, શું ‘હું’ ‘તે જ’ તો નથી ને?!

ચકિત કરી દેતી ચાંદની

ઓક્ટોબર 11, 2008

ચકિત કરી દેતી ચાંદની

  પેલા વાદળોની વચમાં

તારી આંખ્યુંમાં મેં જોઇ’તી

   એ જ નરી સુંદરતા

 

વાત્યું કરીશું આપણે

  આવી જ અનેરી લયમાં

જોજે ગોથું તું ખાયે ના

  શબ્દોની આ શતરંજમાં

 

રાત વીતી જે કહેવી’તી

  એ વાત રહી ગઇ મનમાં

ચાલ શોધી સાંભળીએ

  એને મનના ઊંડાણમાં

 

ધુળ ઢેફા ઉડાડતા

  ઘોડા દોડતા મનમાં

ખુલ્લા પગે ચલ ચાલીએ

  રેતીના શાંત રણમાં

 

અવિરત અવિનાશી સંગે

  ઉડીએ આ ગગનમાં

ચકિત કરી દેતી ચાંદની

 પેલા વાદળોની વચમાં

 

યાત્રા

ઓક્ટોબર 11, 2008

જોજનો દૂર છે જાવું મારે

 સંગાથ મળે ન મળે

દૂર દૂરના પ્રદેશો ખોળવા

 વાહન મળે ન મળે

 

અસુર, માનવ, બુધ્ધ, ઇશ્વર

 કોણ છે એ સર્વેની ભીતર?

મનમાં છે સવાલો ઘણાં

 જવાબ મળે ન મળે

 

નદી, કાંઠા, જમીન, આકાશ

  ભેદ-ભરમ છે ઘણાં અગાધ

ન ગુરૂ, ન સાથી, ન મિત્રનો સાથ

 છતાંય કરી રહ્યો છું યાત્રા અમાપ

 

આખરે થાકી, કંટાળી, હારી આજ

 ઘડી બે ઘડી બંધ કરી મેં બંધ આંખ

અનાયાસે ભીતર જોઇ મેં એ આંખ

 જે યુગો યુગોથી છે મારી સંગાથ 

 

કેમ ભૂલી ગયો હું સરળ આટલી વાત?

  અત્ર, તત્ર, સર્વત્ર છે માત્ર મારો જ વાસ!

એકથી અનેક

ઓક્ટોબર 11, 2008

ફૂલોના ગુચ્છની સુગંધ

  તીવ્રતા છે વધુ ને વધુ સુંદરતા

પુષ્પોની માળા પહેરી

  આવે છે આનંદ મનમાં

એક પુષ્પ કે એક ગુચ્છ?

  એજ છે એકથી અનેકની યાત્રા!

માયા

ઓક્ટોબર 4, 2008

માયારૂપી ચશ્મા પહેરી

    જોઇ રહ્યો છે જગતને

દોડી રહ્યો છે જેની પાછળ

   એ છે આ ચશ્માની ઉપજ

ઘડીક જો ચશ્મા કાઢી જુએ

    સમજાશે આ દોડની ઉપજ

બેસુરા સંગીતની પાછળ

    ઘેલો થયો છે આજ જે

ઘડીક જો બંધ કરી દે કાનને

    સાંભળશે એ મધુર બ્રહ્મનાદને

સૂર્ય ધ્યાન – મૌન બોલે છે!

ઓક્ટોબર 4, 2008

સૂર્ય ભાસ્કર થઇ ચમકે

            કિસ્મત તારી ખીલશે

ચમકતી આંખોમાં ભરી લે અંગાર એ

            અંધકારને એ ઓગાળશે 

મુઠ્ઠીભર સિંદુર લગાવી

            પરણી જા એને

જીવન સંસાર એને હાથે સોંપી

            થઇ જા સવાર એની સંગે 

સાત સૃષ્ટિઓમાં વિહાર કરી આવજે

            જોજે મોડું થાય ના જોવાને એને

ક્યાંક દિપક ક્યાંક સૂરજ થઇ

            પ્રકાશમાન છે એ બધે

દિવ્ય તેજ ને દિવ્ય ગુણોથી સજ્જ

            અખંડ આનંદ ભોગવે,

એ સ્વ્યં બળીને!

એક ક્ષણ

ઓક્ટોબર 3, 2008

હસતા નાચતા ગાતા વિતાવીએ જીવનની આ ક્ષણ
એક એક ક્ષણને જોડી બનાવીએ જીવન માત્ર એક ક્ષણ

જોજનો દૂર છે જાવું ચાલ ઉઠાવીએ એક ડગલું આ ક્ષણ
એક એક ડગલું જોડી પહોંચતા લાગશે માત્ર એક ક્ષણ

ના જો આગળ ના જો પાછળ જોઇ લે મન ભરીને આ ક્ષણ
પલક ઝપકતા વીતી જાશે જીવી લે મન ભરીને માત્ર એક ક્ષણ

બદલાય મોસમ બદલાય રસ્તા ના બદલાય કદી આ ક્ષણ
ઘૂઘવાતા  આ મહાસાગરમાં તરવા નૌકા છે માત્ર એક ક્ષણ

ક્યારેક મીઠી ક્યારેક તીખી ક્યારેક ખાટી લાગતી આ ક્ષણ
અવિરત અવિનાશી તોયે લાગતી સાવ નોખી હરેક ક્ષણ

ક્ષણનો મહિમા ક્ષણની ગરિમા ક્ષણના સર્વ આ લક્ષણ
જાણશે જે સમજશે એ ક્ષણમાં બુદ્ધના હરેક આ  લક્ષણ

(C) અમિત પરીખ