Posts Tagged ‘જ્ઞાની’

ચૈતન્ય મહાપ્રભુજી

ઓક્ટોબર 4, 2008

સર્વેસર્વા એવા ચૈતન્ય મહાપ્રભુજીની બેઠક સ્વયંના હ્રદયમાં રાખી હોવા છતાં બહાર શોધવી તમારા સામર્થ્યની છડી પોકારે છે! જાણી જોઇને મનમાં અંધકાર પેસવા દઇને ત્યારબાદ પ્રકાશની ખોજમાં નીકળવું! જોયુંને માયારૂપી જગતમાં માયારૂપી ચશ્મા પહેરી શોધી રહ્યો છે માયાના મૂળને! માણસ માત્ર ભૂલને પાત્ર! 

યેનકેન પ્રકારેણ માયારૂપી ચશ્મા ઉતારીને સાક્ષીરૂપ દ્રષ્ટા બનીને નિહાળ આ જગતને – સ્વયંને – એ જ ચૈતન્ય નાચી રહ્યું છે – હર પળ – હર સ્થળ – હર જીવ – નિર્જીવમાં. છોળો ઉછાળી ઉછાળીને સમુદ્ર આહ્વાન કરી રહ્યો છે – આવ.. ભેટ મુને – એકાકાર થઇ જાઓ આ નિરાકારમાં – સ્વયં, સ્વયંને પોકારી રહ્યો છે – ગરકાવ થઇ જા મુજમાં… ગરકાવ થઇ જા મુજમાં… 

ચીલ ઝડપે આગળ વધતો જ્ઞાની પણ છેલ્લે સૂકાયેલા વૃક્ષની જેમ કરમાઇ જાય છે – કારણ હવે દોટનો અર્થ નથી. નીરવતામાં ગરકાવ થઇ જવા બધી દોટ નકામી છે – પછી એ દોટ વિચારોની હોય, આસ્થાની હોય, પૂજાની કે કર્મોની.. શાંતતા – તન, મન, પ્રાણ, શ્વાસ, વિચારો.. સઘળા શાંતતાને સમર્પણ કરી.. નીરવતાને વર… સમય, સ્થળ, રૂપ.. સઘળાની આહુતિ. ન રહે જીવન, ન રહે મૃત્યુ. ન રહે રાહ, ન રહે મંઝિલ. ન રહે શબ્દ, ન રહે શાંતિ. શૂન્યાવકાશની કલ્પના પણ શૂન્યાવકાશથી દૂર લઇ જનારી છે. કોઇ પણ કલ્પના, માન્યતા, વિચાર, ઉત્તેજના, સવાલ, હલનચલન, બાધક છે પૂર્ણતાને વરવામાં.

સંપૂર્ણને પામવા સંપૂર્ણ ખાલીપો છે જરૂરી, અમિત. 

ઠાલવી દે બધું જ – સર્વસ્વ. દોસ્તો, સગાં, વિચારો, કલ્પના, આકાંક્ષા, ઇચ્છા, પૈસા, શક્તિ, વ્યક્તિત્વ… હોમી દે સર્વસ્વ… તો જ સમજાશે … तत् त्वम असि