Posts Tagged ‘જીવન’

મૃત્યુ

નવેમ્બર 15, 2008

તેજસ્વી તારલાઓની સંતાકૂકડી જેવો આ ખેલ – જીવન. મૃત્યુ પર્યંત સઘળું ભૂલાવી દેતો ખેલ. મૃત્યોન્મુખ બનતાં જ સૌદર્ય, જાહોજહાલી backseat લઇ લે છે. સુમધુર સંગીત, આહ્લાદક વાતાવરણ, તરણેતરનો મેળો બધું જ જાણે પ્રગાઢ ભૂતકાળ બની જાય છે. એક માત્ર હકીકત રહી જાય ‘જીવન જીવી જાણજે’ કહેવત. શું જીવ્યા, કેવું જીવ્યા, કેવી રીતે જીવ્યા, કોને માટે જીવ્યા, પ્રારબ્ધ બદલ્યું કે લંગર નાખેલા વહાણની જેમ એક જગ્યાએ જ હંકારે રાખ્યું અને કશે ન પહોંચ્યા? તો શું બડાશ હાકીશ તું જ્યારે મૃત્યોન્મુખ થઇશ? શું સિધ્ધિ સ્વને દર્શાવીશ કે જો ભઇલા હું આ જીવ્યો, મેં આ કર્યું, મેં આ મેળવ્યું ને મેં આ જતુ કર્યું? છે કશુંક એવું મનમાં કે જે તને પોકારી પોકારીને કહે કે હા.. જીવન મેં જીવ્યું.. પૂર્ણતાથી.. એકાગ્રતાથી.. સંપૂર્ણતાથી.. તો એ ક્ષણ.. એ દ્રશ્ય.. એ યાદ નથી કોઇ હાલમાં… આ જીવનની એક સત્ય હકીકત… કે હજી કોઇ ક્ષણ તે પૂર્ણ સભાનતાથી નથી જીવી.. પૂર્ણ એકરૂપતા… મન, શરીર, આત્મા, ચૈતન્ય.. સમરૂપ… સ્વબળે સંપૂર્ણપણે ખીલેલું જીવન.. આચરણ..

 

તો હજી કોસો દૂર છે ચાલવાનું.. મગધ રાજ્ય લગી પહોંચવાનું… રાજ્યાભિષેક થશે જે દિ એ દિ આવશે નોતરું.. ને મહાન ક્ષણ જે પોકારશે.. રામ મહિં… શ્યામ મહિં… સાંઇ મહિં… હું જ અહિં તહિં… હે ઇશ્વર ધન્ય છે મને આ ક્ષણ મળી… મળજો હર કોઇ જીવને અહિં… તત્પર રહીએ આપણે સૌ… એ ઐક્યતા, સભાનતા, સુંદરતા, વૈશ્વિક ચેતનાને આવકારવા અબધડી!

જય હો સ્વામી! દુખો દૂર કરી, સ્વર્ગીય આનંદમાં રાખો સદા અહિં…

તથાસ્તુ. તત ત્વમ અસી. ને હું નિત્યાનંદમાં રાચતો હોઇ, તારે માટે આ સંકલ્પ, આ ઇચ્છા, આ મહેચ્છા કશી અઘરી નથી. અઘરું છે આનાથી વિપરીત જીવવું… નાટકમાં કરાતા વિવેકાભાન રહિતના જોજનો દૂર લઇ જતા અલગ વ્યક્તિત્વને સ્વયંના સત્ય વ્યક્તિત્વ ઉપર પહેરી ઢાંક પિછોડો કરવો… હેં ને? તો એ વેશભૂષા જે માત્ર ટૂંક સમય માટે પહેરવાની હતી એને ઉતારી ફેંક… એ ચહેરા મહોરા કાઢી.. સત્યરૂપ વ્યક્તિત્વને ફરી ઝળહળવા દે.. આરોગ્યથી લઇ અવતરણ સુધી, મૂર્છાથી લઇ આત્મજ્ઞાન સુધી, પરાધીનતાથી લઇ સ્વાભિમાન સુધી.. ની સફર એ આજ… નાટકનો ભાગ ભજવવાનું છોડી, સ્વમાં રાચી.. સ્વગુણો પ્રગટ થવા દઇ…. અન્ય કલાકારોને પણ જગાડવા કે ભઇ.. નાટક પૂરું થયું… અસ્સલ તો હવે શરૂ થશે!

 

તા.ક. કોઇ પણ ચીજ, વસ્તુ, જીવનું સ્વરૂપ જોતા-વિચારતા-સાંભળતા ‘સ્વરૂપ’ શબ્દનો અર્થ યાદ રાખવો.. સ્વ..રૂપ! એ બધું ‘સ્વ’નું જ ‘રૂપ’ છે!

ભવિષ્ય શું છે?

ઓક્ટોબર 6, 2008

પ્રારબ્ધ એટલે કર્મનો ટોપલો. ભંડાર છે એ ટોપલામાં – નીકળતું જાય એક બાદ એક અને એથી વધુ ભરાતું જાય! આ જ ભવિષ્ય. આજનું કર્મ – આવતી કાલનું ફળ. આવતી કાલનું કર્મ, આવનારી કાલનું ફળ. સંસાર ચાલ્યા કરે આ કર્મના ક્રમે. ત્રુટિ નથી આમાં કોઇ – ભેદભરમ છે ઘણાં. સંયોજકો આયોજનકર્તા અનેક પરિબળો ભેગા મળી જન્મ થાય છે એ ક્ષણનો. અતૂટ, અમાપ, ઐક્ય, ઐશ્વર્ય જોવા મળશે એની ગણતરીઓમાં. એક સાથે અનેકનો સંબંધ – અનેક સાથે અન્ય અનેકનો સંબંધ… કણ કણનો હિસાબ.. દરેક પોતપોતાને સ્થળે. જેમ જ્યાં હોવા જોઇએ ત્યાં જ. એ જ સમય! અદભૂત છે નહિ? રચયિતા હું નથી ને તુંય નથી. આ એકનો અનેક સાથેનો ખેલ.. કોણ કર્તા અને કોણ દર્શક?

ફળ તૂટ્યું. કર્મ? ફૂલ ઉગ્યું. કર્મ? વૃક્ષ તૂટ્યું તારા માથે! કર્મ? માથુ અફડાવ્યું તે વૃક્ષ સાથે. કર્મ? સૃષ્ટિ અનાદિકાળથી કર્મનો ઉપયોગ ઉત્થાન માટે કરી રહી છે. વગર વાંકે કોઇ કંઇ કરી ન શકે. આ વાંક એ જ કર્મ. જો સઘળા કર્મો દૂર કરી નાખવામાં આવે તો શું બચશે? શૂન્યાવકાશ? હા, પણ શૂન્યાવકાશ પણ નહિ મળે. કારણ એ જોનાર જ નહિ બચે! હું સભાન છું તો શૂન્યાવકાશ સંભવ છે.. નહિ તો શૂન્યાવકાશ છે કે નહિ એની જાણ કેવી રીતે થશે?

કર્મની શરૂઆત કોણે કરી? મેં! સભાન થવું પણ એક કર્મ! એનું ફળ, વિકાસ… સાથે એકલતા. એકનું બે થવું. પ્રેમ.. લાગણી… જુદાઇ.. વધુ, વધુ, વધુ. ઉત્થાન, ઉત્થાન, ઉત્થાન. સર્વત્ર. સર્વ લોકમાં.. દરેક પળે.. દરેકે દરેક દ્વારા… હા, દરેક દ્વારા કર્મ.. કર્મ.. કર્મ!

કર્મા મારા જ છે.. તું શા માટે તારા માથે લે છે? હું છું ને એ બોજ ઉપાડવા. કારણ એને સાથે રાખીને સાથે કેમ ન રાખવા એ મેં ઘણા ઘણા (મારા) વર્ષોમાં શીખી લીઘું છે.. તું અટવાઇશ ને ભૂલો પડી જઇશ.. ભટકી જઇશ. કર્મ કર ને વિચાર કે ‘મેં’ .. એટલે કે તારા ‘રચયિતા’ દ્વારા થયું છે…હું માર્ગ ચીંધીશ તું ક્ષણે ક્ષણે ચાલતો રહેજે.. તારું સારુ થશે કે ખરાબ.. પણ તું અટવાઇશ નહિ… કારણ તારી ભાષામાં ખરાબ એ મારી દ્રષ્ટિએ તારા માટે શ્રેષ્ઠ હોઇ શકે છે.. નજરનો ફેર છે… જેમ નારી સબળા કે અબળા નથી હોતી, એમ માનવી પાપી કે મહાન નથી.. કર્મ મહાન કે પાપી નથી… માનવીઓને માપવાની ભૂલ ના કરતો!

તારું ભવિષ્ય તારા હાથમાં છે.. ક્ષણે ક્ષણે જીવીને, ક્ષણે ક્ષણે માણીને… આવનારી ક્ષણોને સ્વીકારીને.. ઉત્થાન, ઉત્થાન.. જીવન, જીવન.. ખેલ – મસ્તી – મજા. અનંતકાળ.. ન કોઇ સીમા, ન કોઇ બંધન..

એક ક્ષણની અનંત કાળ સામે શું વિસાત? પણ શું એ ક્ષણ પાછી મળશે? નહિ! એ … એ ક્ષણ… એ ગઇ.. એને જીવી લીધી. વીતી ગઇ. સંભારણું – મમળાવી શકાય. પાછી જીવાય નહિ!

શું ઇશ્વર ખરેખર બધે જ છે?

ઓક્ટોબર 4, 2008

આપણે આપણા જીવનમાં ‘ઇશ્વર બધે જ છે’ વાક્ય કેટલી વાર સાંભળ્યું છે? અને આપણે આ સનાતન સત્ય વિશે જીવનમાં ખરેખર કેટલી વાર વિચાર્યું છે? ઇશ્વર બધે જ છે – બધે એટલે કોઇ વિશિષ્ટ જગ્યા પર નહિ – બધે જ! જો આપણે ખરેખર આ સરળ વિધાનને સમજી લઇએ તો, એમાં આપણા આખા જીવનને બદલવાની ક્ષમતા છે. આ સરળ સનાતન સત્ય આ ગ્રહ પર ચાલનારા લગભગ દરેક મહાત્મા દ્વારા કહેવામાં આવ્યું છે અને પૃથ્વી પરના બધા જ ધર્મોમાં એનો ઉલ્લેખ છે. 

જો ઇશ્વરે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન ‘શૂન્યાવકાશ’માંથી કર્યું હોય, તો સૃષ્ટિમાં જે કંઇ પણ અસ્તિત્વમાં છે ‘એ બધું જ’ ઇશ્વરમાં જ છે! હવા, પથ્થર, વૃક્ષ, પશુ, પક્ષી કે માનવ, ઇશ્વર બધે જ વિદ્યમાન છે. આથી આપણે ઇશ્વરને ‘જે છે એ બધું જ’ અથવા ‘અસ્તિત્વ’ તરીકે પણ સંબોધી શકીએ છીએ. 

ઇશ્વર સંપૂર્ણ ભૌતિક જગતમાં છે તેમજ બીજ બધા ‘અપાર્થિવ’ વિશ્વોમાં પણ છે! ઇશ્વર મંદિરમાં પણ છે અને મંદિરની બહાર, આપણા શયનખંડમાં, આપણા બાથરૂમમાં, કચરાપેટીમાં અને આપણા બધા વિચારોમાં (ખરાબ વિચારો સહિત) પણ છે! જો આપણે એમ જ માનીએ કે ઇશ્વર માત્ર ‘સારી’ વસ્તુઓ અને માત્ર ‘સારી’ જગ્યાઓમાં જ છે, તો આપણે આપણા ધર્મ અને માન્યતાઓના પાયાનું જ ખંડન કરીશું. એ ‘ખરાબ વસ્તુઓ’, ‘ખરાબ લોકો’ અને ‘ખરાબ જગ્યાઓ’નું સર્જન કોણે કર્યું અને એમને કોણ ચલાવી રહ્યું છે? જો ઇશ્વરની મરજી વિના કાંઇ ન થઇ શકે, તો આટલી બધી ‘ખરાબ’ ઘટનાઓ કેવી રીતે ઘટી શકે?

ચાલો આ સનાતન સત્ય પર જરા વધુ મનન કરીએ. ઇશ્વર બધે જ છે; એટલે કે ભારત, અમેરિકા, ચીન, જાપાન, પાકિસ્તાન કે આપણા સૌર મંડળની બહારનો ગ્રહ, આ બધે જ ઠેકાણે માત્ર એક જ ઇશ્વર સંભવી શકે છે! મંદિર, મસ્જિદ, ચર્ચ કે અન્ય કોઇ પણ સ્થળ – બધે જ એક જ ઇશ્વર હયાત છે! જો તમે એમ કહો કે મારો ભગવાન અને તારો ભગવાન અલગ છે – તો શું તમારું કહેવું એમ છે કે આ સમગ્ર સૃષ્ટિ આટલી સરસ રીતે અલગ અલગ ભગવાનોના બનેલા એક જૂથ દ્વારા ચલાવવામાં આવી રહી છે? કયા ભગવાનની કઇ હદ છે? અને જો ખરેખર આટલા બધા ભગવાન હોય તો જગતમાં અરાજકતા કેમ નથી? મૂર્તિની અંદર કે બહાર, મંદિરની અંદર કે બહાર , તમારી અંદર કે બહાર – સમગ્ર સૃષ્ટિમાં એક  જ ઇશ્વરનો વાસ છે! 

જો આપણે કહીએ કે ઇશ્વર ‘અહીં’ છે તો ‘ત્યાં’ શું છે? જગતનો ‘એ’ ભાગ કોણ ચલાવી રહ્યું છે? જો ઇશ્વર માત્ર મંદિરમાં જ હોય, તો મંદિરની બહારના આ જટિલ વિશ્વનું નિયંત્રણ કોણ કરી રહ્યું છે? કરોડો વર્ષોનાં માનવના ઇતિહાસમાં શું એવું કોઇ સ્થળ બાકી હોઇ શકે કે જેણે હિંસા, અત્યાચાર, વ્યભિચાર, નફરત કે અન્ય ‘ખરાબ’ ઘટનાઓ ન જોઇ હોય? આપણે કોઇ સ્થળને ‘પવિત્ર’ અને કોઇ સ્થળને ‘અપવિત્ર’ કઇ રીતે કહી શકીએ જો ‘જે કંઇ છે’ એ ઇશ્વર જ છે? એક પથ્થર પર છીણી અને હથોડા મારીને એક ખાસ આકાર મેળવ્યા બાદ એ જ પથ્થરની પૂજા કરવામાં આવે છે! પણ એ ખાસ આકાર પહેલાં એ પથ્થરમાં શું હતું? 

આપણે ઇશ્વરને માત્ર ‘ક્યાંક’ અને માત્ર કોઇ ‘ખાસ આકાર’ કે માત્ર કોઇ ‘વિશિષ્ટ નામ’માં જોઇને માત્ર આપણી જાતને છેતરી રહ્યા છીએ અને એ એક જ શક્તિના વિવિધ રૂપો માટે એકબીજાને મારી નાખવા ને બાળી નાખવા તૈયાર થઇ જઇએ છીએ! આપણે આટલા સાદા સનાતન સત્ય ‘ઇશ્વર બધે જ છે’ નો ખરો અર્થ ક્યારે સમજીશું? આપણે આપણા ખરા ધર્મને ક્યારે અનુસરીશું? 

જો આપણે બધે જ એક જ ઇશ્વરને જોવા લાગીએ – બધા જ માનવીઓમાં (આપણા દુશ્મનો, ‘અન્ય ધર્મ’ના લોકો અને આપણે જેને નફરત કરીએ છીએ એ બધા સહિત), બધા જ પ્રાણીઓમાં (માત્ર પવિત્ર પ્રાણીઓમાં જ નહિ), બધી જ વનસ્પતિઓમાં (માત્ર પવિત્ર વનસ્પતિ જ નહિ), આપણા બધા જ વિચારોમાં અને આપણા બધા જ કાર્યોમાં; તો શું થશે? શું આપણે હમણાં જ ‘બધે જ’ ઇશ્વરને જોવાનું શરૂ કરી શકીએ છીએ?

અમિત પરીખ

એક ક્ષણ

ઓક્ટોબર 3, 2008

હસતા નાચતા ગાતા વિતાવીએ જીવનની આ ક્ષણ
એક એક ક્ષણને જોડી બનાવીએ જીવન માત્ર એક ક્ષણ

જોજનો દૂર છે જાવું ચાલ ઉઠાવીએ એક ડગલું આ ક્ષણ
એક એક ડગલું જોડી પહોંચતા લાગશે માત્ર એક ક્ષણ

ના જો આગળ ના જો પાછળ જોઇ લે મન ભરીને આ ક્ષણ
પલક ઝપકતા વીતી જાશે જીવી લે મન ભરીને માત્ર એક ક્ષણ

બદલાય મોસમ બદલાય રસ્તા ના બદલાય કદી આ ક્ષણ
ઘૂઘવાતા  આ મહાસાગરમાં તરવા નૌકા છે માત્ર એક ક્ષણ

ક્યારેક મીઠી ક્યારેક તીખી ક્યારેક ખાટી લાગતી આ ક્ષણ
અવિરત અવિનાશી તોયે લાગતી સાવ નોખી હરેક ક્ષણ

ક્ષણનો મહિમા ક્ષણની ગરિમા ક્ષણના સર્વ આ લક્ષણ
જાણશે જે સમજશે એ ક્ષણમાં બુદ્ધના હરેક આ  લક્ષણ

(C) અમિત પરીખ