Posts Tagged ‘ગુજરાતી’

ચકિત કરી દેતી ચાંદની

October 11, 2008

ચકિત કરી દેતી ચાંદની

  પેલા વાદળોની વચમાં

તારી આંખ્યુંમાં મેં જોઇ’તી

   એ જ નરી સુંદરતા

 

વાત્યું કરીશું આપણે

  આવી જ અનેરી લયમાં

જોજે ગોથું તું ખાયે ના

  શબ્દોની આ શતરંજમાં

 

રાત વીતી જે કહેવી’તી

  એ વાત રહી ગઇ મનમાં

ચાલ શોધી સાંભળીએ

  એને મનના ઊંડાણમાં

 

ધુળ ઢેફા ઉડાડતા

  ઘોડા દોડતા મનમાં

ખુલ્લા પગે ચલ ચાલીએ

  રેતીના શાંત રણમાં

 

અવિરત અવિનાશી સંગે

  ઉડીએ આ ગગનમાં

ચકિત કરી દેતી ચાંદની

 પેલા વાદળોની વચમાં

 

એકથી અનેક

October 11, 2008

ફૂલોના ગુચ્છની સુગંધ

  તીવ્રતા છે વધુ ને વધુ સુંદરતા

પુષ્પોની માળા પહેરી

  આવે છે આનંદ મનમાં

એક પુષ્પ કે એક ગુચ્છ?

  એજ છે એકથી અનેકની યાત્રા!

સૂર્ય ધ્યાન – મૌન બોલે છે!

October 4, 2008

સૂર્ય ભાસ્કર થઇ ચમકે

            કિસ્મત તારી ખીલશે

ચમકતી આંખોમાં ભરી લે અંગાર એ

            અંધકારને એ ઓગાળશે 

મુઠ્ઠીભર સિંદુર લગાવી

            પરણી જા એને

જીવન સંસાર એને હાથે સોંપી

            થઇ જા સવાર એની સંગે 

સાત સૃષ્ટિઓમાં વિહાર કરી આવજે

            જોજે મોડું થાય ના જોવાને એને

ક્યાંક દિપક ક્યાંક સૂરજ થઇ

            પ્રકાશમાન છે એ બધે

દિવ્ય તેજ ને દિવ્ય ગુણોથી સજ્જ

            અખંડ આનંદ ભોગવે,

એ સ્વ્યં બળીને!

એક ક્ષણ

October 3, 2008

હસતા નાચતા ગાતા વિતાવીએ જીવનની આ ક્ષણ
એક એક ક્ષણને જોડી બનાવીએ જીવન માત્ર એક ક્ષણ

જોજનો દૂર છે જાવું ચાલ ઉઠાવીએ એક ડગલું આ ક્ષણ
એક એક ડગલું જોડી પહોંચતા લાગશે માત્ર એક ક્ષણ

ના જો આગળ ના જો પાછળ જોઇ લે મન ભરીને આ ક્ષણ
પલક ઝપકતા વીતી જાશે જીવી લે મન ભરીને માત્ર એક ક્ષણ

બદલાય મોસમ બદલાય રસ્તા ના બદલાય કદી આ ક્ષણ
ઘૂઘવાતા  આ મહાસાગરમાં તરવા નૌકા છે માત્ર એક ક્ષણ

ક્યારેક મીઠી ક્યારેક તીખી ક્યારેક ખાટી લાગતી આ ક્ષણ
અવિરત અવિનાશી તોયે લાગતી સાવ નોખી હરેક ક્ષણ

ક્ષણનો મહિમા ક્ષણની ગરિમા ક્ષણના સર્વ આ લક્ષણ
જાણશે જે સમજશે એ ક્ષણમાં બુદ્ધના હરેક આ  લક્ષણ

(C) અમિત પરીખ