સૌથી જૂનો સંબંધ માનવીનો અન્ય માનવી સાથે - કામેચ્છા દ્વારા. જૈસે કો તૈસાની જેમ દરેકને પોતાની પ્રબળ ઇચ્છા પ્રમાણે સાથીદાર મળી રહે છે. ઊંટવૈદુ કરનાર વૈદ અને જ્ઞાની વૈદમાં જેમ ફેર હોય એમ કામેચ્છા વડે સહજ જ્ઞાન પણ પ્રાપ્ત થઇ શકે છે કે અગાધ ગર્તામાં પણ ધકેલાઇ શકીએ છીએ. કામેચ્છા તેના મૂળ સ્વરૂપે ‘સ્વ‘ને ‘સ્વ‘ના અન્ય ભાગ સાથે એકાકાર થવા ફરજ પાડતી મૂળભૂત ઇચ્છા છે. આનો જન્મ ત્યારે જ થયો જ્યારે સ્વને સ્વથી વિખૂટા પડી અનુભવ લેવાની ઇચ્છા થઇ. કારણ ઇચ્છાઓ પણ જગતના મૂળભૂત ‘પોલારિટી‘ના નિયમને વળગી રહે છે. અહમ્ (Ego) સૌથી વિખૂટા પડી પોતાની ‘અલગતા‘ સ્થાપવા મથે છે જ્યારે ‘કામેચ્છા‘ જે આગળ જતા ‘હરિચ્છા‘માં પરિણમે છે – એ અન્યો સાથે જોડાઇ જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે.
દોષરહિત પ્રજા ન જાણે કેમ કુદરતે આપેલી આ બક્ષિસને ‘મેલી‘ ગણે છે. જરા વિચારો. જો આ આટલી જ ખરાબ શક્તિ હોય તો આને જન્મ દેનારી કુંડલિની શક્તિને તમે શું ‘ખરાબ શક્તિ‘ કહેશો? જ્યારે પણ કામેચ્છા જાગે ત્યારે માનો કે હરિ સાથે જોડાવા માટે ફરીથી શરીર બેતાબ બની રહ્યું છે.
સામેની વ્યક્તિમાં હરિનું પ્રતિબિંબ જુઓ અને પ્રેમથી મળો. વિના પ્રેમ તો આ મિલન એવું હશે જાણે પાન વિનાનું વૃક્ષ. ન ફૂલ, ન પાન, ન ફળ. એકદમ સૂકું વૃક્ષ જે ખુશ નથી - પ્રેમરૂપી પાણી વિના - એ દુ:ખી હતું, દુ:ખી છે અને દુ:ખી રહેશે.