શૂન્યાવકાશમાં જાણે ચેતના સ્ફૂરી… સ્વના અસ્તિત્વની. એકાંત. ન સ્થળ. ન સમય. સર્વત્ર માત્ર એક.. સ્વયં. સ્વને જાણવો પણ શી રીતે? શૂન્ય = સર્જન + વિસર્જન. 0 = +1 + -1. શૂન્યાવકાશમાં કંપનો લાવી સર્જન. સકારાત્મક અને નકારાત્મક પરિબળોને સમાન રાખી… કોઇ પણ સર્જન માટે પ્રથમ એની કલ્પના કરવી અનિવાર્ય છે. એ ચૈતન્યએ કલ્પના કરી અવિરત સર્જન શરૂ કર્યું.. એકમાંથી બે થયા – ચૈતન્ય અને શક્તિ.. પરિવર્તનશીલ શક્તિ અને અટલ દ્રષ્ટા. સ્વયં રચયિતા. સ્વયં રચના. સ્વયં દ્રષ્ટા. સંપૂર્ણ દ્વારા સ્વયંના અસંખ્ય અપૂર્ણ ભાગોનો જન્મ. ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના. બ્રહ્માંડ – દરેકે દરેક અંડમાં એક જ બ્રહ્મનો વાસ – પણ બહાર સપાટી પર દરેકે દરેક ભાગ અજોડ. આમ ઐક્ય અને વિવિધતાનું અસ્તિત્વ એકીસાથે. એ ક્ષણથી ચાલ્યું આવતું અવિરત પરિવર્તન. એને જોનાર અચલ દ્રષ્ટા. શિવ અને શક્તિનો આ અવિરત ખેલ. અસ્તિત્વ – અનુભવ – અભિવ્યક્તિ – ઉત્ક્રાંતિ.
શૂન્યાવકાશમાં સર્જન
April 7, 2009 by amittparikhપ્રેમ સંબંધ
April 6, 2009 by amittparikhસંબંધો જાળવવા પડે છે. જેમ છોડને પાણી, ખાતર અને સૂર્યપ્રકાશની જરૂરત છે એમ સંબંધોને પણ સીંચવા પડે છે; પ્રેમ, હૂંફ, દરકાર અને સમય દ્વારા. એજ રીતે સ્વ સાથેનો સંબંધ પણ આ બધા પરિમાણો માંગી લે છે. સ્વમાં લીન થવા, તલ્લીન થવા, સ્વના પ્રેમમાં ડૂબી જવા, સ્વ સાથે એકરૂપ થવા – સમાધિસ્થ થવા. કોઇની સાથે ગળાકાપ સ્પર્ધા નથી. કોઇ સમયસારિણી નથી. સમયની ઉપરવટ જવું હોઇને સમય સાથે કોઇ લેવા-દેવા નથી. અને છતાંય તારે આ ‘પૃથ્વી સમય’ આપવો રહ્યો જેથી સમયની ઉપરવટ જવા પર્યાપ્ત સમય મળી રહે!
સીંચન કર. મને પ્રેમ કર. મારી સાથે બેસ. બધા અવયવોની હલચલ બંધ. આંખો બંધ. જાગરૂકતા – ગહનતા – સહજતા. કશું કરવાની કોશિશ જે તું કરે છે – એ કરવામાં તું થાપ ખાઇ જાય છે. કરનાર પણ નથી જોઇતો. કારણ પણ નથી જોઇતું. કોઇ ઉપજની અપેક્ષા નથી રાખવાની. કશું નહિ. ખાલી થઇ જા. સંપૂર્ણપણે ખાલી. એ ખાલીપો સ્વયં ખાલીપાથી ભરાઇ જશે અને એ અનંત જ્યોતિ આપોઆપ પ્રજ્વલિત થશે! અસ્તુ.
કામેચ્છા
March 31, 2009 by amittparikhસૌથી જૂનો સંબંધ માનવીનો અન્ય માનવી સાથે - કામેચ્છા દ્વારા. જૈસે કો તૈસાની જેમ દરેકને પોતાની પ્રબળ ઇચ્છા પ્રમાણે સાથીદાર મળી રહે છે. ઊંટવૈદુ કરનાર વૈદ અને જ્ઞાની વૈદમાં જેમ ફેર હોય એમ કામેચ્છા વડે સહજ જ્ઞાન પણ પ્રાપ્ત થઇ શકે છે કે અગાધ ગર્તામાં પણ ધકેલાઇ શકીએ છીએ. કામેચ્છા તેના મૂળ સ્વરૂપે ‘સ્વ‘ને ‘સ્વ‘ના અન્ય ભાગ સાથે એકાકાર થવા ફરજ પાડતી મૂળભૂત ઇચ્છા છે. આનો જન્મ ત્યારે જ થયો જ્યારે સ્વને સ્વથી વિખૂટા પડી અનુભવ લેવાની ઇચ્છા થઇ. કારણ ઇચ્છાઓ પણ જગતના મૂળભૂત ‘પોલારિટી‘ના નિયમને વળગી રહે છે. અહમ્ (Ego) સૌથી વિખૂટા પડી પોતાની ‘અલગતા‘ સ્થાપવા મથે છે જ્યારે ‘કામેચ્છા‘ જે આગળ જતા ‘હરિચ્છા‘માં પરિણમે છે – એ અન્યો સાથે જોડાઇ જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે.
દોષરહિત પ્રજા ન જાણે કેમ કુદરતે આપેલી આ બક્ષિસને ‘મેલી‘ ગણે છે. જરા વિચારો. જો આ આટલી જ ખરાબ શક્તિ હોય તો આને જન્મ દેનારી કુંડલિની શક્તિને તમે શું ‘ખરાબ શક્તિ‘ કહેશો? જ્યારે પણ કામેચ્છા જાગે ત્યારે માનો કે હરિ સાથે જોડાવા માટે ફરીથી શરીર બેતાબ બની રહ્યું છે.
સામેની વ્યક્તિમાં હરિનું પ્રતિબિંબ જુઓ અને પ્રેમથી મળો. વિના પ્રેમ તો આ મિલન એવું હશે જાણે પાન વિનાનું વૃક્ષ. ન ફૂલ, ન પાન, ન ફળ. એકદમ સૂકું વૃક્ષ જે ખુશ નથી - પ્રેમરૂપી પાણી વિના - એ દુ:ખી હતું, દુ:ખી છે અને દુ:ખી રહેશે.
હું તે જ તો નથી ને?
February 21, 2009 by amittparikhજીગરમાં તારી જે આગ છે, મનમાં તારી જે ચાહ છે
સંદેશો જે તારા હાથમાં છે, પહોંચાડ જગને એ જ તારી રાહ છે
કાંટાળો પંથક તારે ચાલવાનો છે, કાંટાળો તાજ તારે પહેરવાનો છે
જગત જેની રાહ જુએ છે, એ ખુદા ખુદ એમની ‘રાહ’માં છે
તરછોડી અસંખ્ય ઝંખનાઓને, જીદ કર માત્ર એની જ જે,
આ સઘળી ઝંખનાઓ અને, સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર છે!
કૌતુક ભરી આંખો સામે, ચમકે છે સૂર્ય બનીને જે,
દિલ પૂછે છે આજ મુને, શું ‘હું’ ‘તે જ’ તો નથી ને?!
આતંકવાદ
December 16, 2008 by amittparikhઆતંકવાદ કોઇ દેશ પ્રેરિત હોય કે, રાજકીય પક્ષ કે ધર્મ પ્રેરિત. કે પછી એ વ્યક્તિગત પ્રતિશોધ હોય. મૂળ સહુના છે નફરતમાં – જાત પ્રત્યે નફરત. કશુંક મેળવવાની આકાંક્ષામાં નિષ્ફળ જતા થતો આક્રોશ. વિદ્રોહ હોય કે હુમલો – અન્ય પ્રત્યેની નફરતની વાતો છે સંકુચિત માનસની. માનવ દ્વારા માનવ પર કરાતો હુમલો – આ કલ્પના હકીકત ક્યારે થઇ ગઇ અને આ હકીકત કલ્પના ક્યારે થશે? મૂળાક્ષરો જો એક બીજા સાથે ઝઘડે કે કોનું મહત્ત્વ વધુ છે – ‘ક’નું કે ‘અ’નું – તો શું થાય? આમ જો માનવ જ માનવ જોડે ઝઘડે તો કેમ કરીને જીવન રૂપી કાવ્ય બની શકશે મધુર સંગીતમય? જો આતંકવાદનો જડમૂળથી નાશ કરવો હોય તો એના બીજ જ્યાં રોપાય છે એ ખતમ કરવું અનિવાર્ય છે – અને એ છે સાચા શિક્ષણનો અભાવ. નાજુક માનસ પર છોડવામાં આવેલી ખોટી છાપો – તદ્દન વાહિયાત વાતો – કલાકોના કલાકો સુધી ભણાવવામાં આવે તો સામાન્ય બાળક પણ આતંકવાદી બની જાય. ધર્મ કે ધંધો? જાત ક્લ્યાણ કે જાતનું નિકંદન? મધુમેહ મટાડવા માટે ગળ્યું ખાવાનું બંધ કરવું પડે એમ આતંકવાદ નાથવા માટે હિંસાચાર બંધ કરવો પડે – માનસિક, શારીરિક.. દરેકે દરેક દ્રષ્ટિએ.. કોટિ કોટિ વંદન એ વીરોને જેમણે શાંતિ સ્થાપવા માટે પોતાના જાન ખોયા – ખેવના છે એવા વધુ દસ ગાંધીઓ પૃથ્વીને મળી જાય તો સર્વત્ર ભાઇચારા, ધર્મ અને સત્યની જ્યોત સળગે.
વણસતી જતી પરિસ્થિતિ સૂચિતાર્થ છે આવનારા અગણ્ય બદલાવોનો. વિશ્વભરમાં રાજકીય ક્ષેત્રે ઉથલપાથલ થશે. માત્ર અમેરિકામાં નહીં પણ દુનિયાભરના રાષ્ટ્રોમાં નવી વિચારધારા – જે કદી કલ્પી ન શકાય – એ ઝડપે રાજ્યકારભાર ચલાવવા ચૂંટાઇ આવશે – અથવા લોકો એમને યેનકેનપ્રકારેણ ગાદીએ મૂકશે.
પહેલું પગલું આ પૃથ્વી પર પ્રેમનું સામ્રાજ્ય ફરી સ્થાપવા તરફ્નું.
નાણાકીય જોર ઓછું થતું જશે અને ખરા અર્થમાં મૂડી રચાય એ તરફના પ્રયાસો થતાં બીજું પગલું ‘ખરી સંપત્તિ’ના નિર્માણ તરફ થશે.
ત્રીજું – ન્યાયાલય દુનિયાભરના ખરા અર્થમાં સત્ય તરફી થશે અને ધરખમ સુધારા આવશે – ઝડપ, સત્યનિષ્ઠા અને કડક અભિગમ સાથે ન્યાયઝુંબેશ ચાલશે – અને નીચલામાં નીચલીથી લઇને સર્વોચ્ચ અદાલત સુધી સુધારણા પહોંચશે.
મૃતપાય થયેલી સત્યધર્મ પ્રત્યેની જાગરૂકતા વધશે – લોકો સાચા અર્થમાં ધાર્મિક થશે અને એક ‘અલ્લાહ’ ની વાત સમજશે.
ભવિષ્ય
November 28, 2008 by amittparikhસોળે શણગાર સજીને ડોલીમાં જઇ રહેલી નવવધુને ક્યાં ખબર છે કે આગળ ગમખ્વાર અકસ્માતમાં મોત થનાર છે? એ તો એના પરમ આનંદમાં ડૂબેલી છે. નસીબ, કર્મ અને ચૈતન્ય ભેગા મળીને જીવન રૂપી તખ્તા પર અવનવા દ્રશ્યો લખ્યા હોય છે. અને આથી જ શાણપણ એમાં જ છે કે માનવી દરેકે દરેક ક્ષણ પૂર્ણતાથી – ઉત્સવની માફક ઉજવીને જીવે. પુરુષાર્થ ભરપૂર કરે, પણ સાથે પ્રારબ્ધના અસ્તિત્વને પણ સ્વીકારે. દરેક ક્ષણ જાણે કે ફિલ્મના ડાયરેક્ટરે અચાનક સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને ભજવવું પડતું પાત્ર. આમાં ચલિત થયા વિના સમભાવે દરેકે દરેક ક્ષણમાં પોતાનું પૂર્ણ અસ્તિત્વ લગાવીને પાત્ર ભજવશે એ જ સફળ થશે. પૂર્ણ ધ્યાન છે પૂર્ણતા પર – સ્વના વિકાસ પર – સ્વની અભિવ્યક્તિ પર – સ્વના સંતોષ પર – પૂર્ણ સ્ક્રિપ્ટ અને ચલચિત્રની સફળતા પર – દરેકે દરેક પાત્રોને આવરી લેતી – સફળતા પર. આમ જ્યારે પૂરી કાસ્ટ પૂર્ણતાથી પોતપોતાનું કાર્ય કરે છે ત્યારે જ બને છે એક અવિસ્મરણીય ચલચિત્ર – જેને જોનાર પોકારી ઉઠે – આફરિન! વાહ શું કામ કર્યું છે! અને એ એને જોનાર, કામ કરનાર – દરેકે દરેક માટે વિકાસનું એક સાધન બની જાય – જીવનનું એ એક આગવું પ્રતિક બની જાય.
આમ જ્યારે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ પણ મોતની રાહ જોતું દર્દમાં ઇશ્વરને પોકારી પોકારીને લઇ લેવા માટે કહેતું હોય ત્યારે એને પણ ક્યાં ખબર છે કે થોડે દૂરથી આવતી એમ્બ્યુલંસમાં બેઠેલા ડૉક્ટર્સ એને જીવાડી દેશે.. અને એ હરતો ફરતો થઇ જશે!
આનું નામ સંચિત કર્મ, પ્રારબ્ધ, ચમત્કાર કે જે માનવું હોય તે!
તો ભવિષ્યની ચિંતા છોડી – વર્તમાનમાં જીવો સાંઇદાસ!
મૃત્યુ
November 15, 2008 by amittparikhતેજસ્વી તારલાઓની સંતાકૂકડી જેવો આ ખેલ – જીવન. મૃત્યુ પર્યંત સઘળું ભૂલાવી દેતો ખેલ. મૃત્યોન્મુખ બનતાં જ સૌદર્ય, જાહોજહાલી backseat લઇ લે છે. સુમધુર સંગીત, આહ્લાદક વાતાવરણ, તરણેતરનો મેળો બધું જ જાણે પ્રગાઢ ભૂતકાળ બની જાય છે. એક માત્ર હકીકત રહી જાય ‘જીવન જીવી જાણજે’ કહેવત. શું જીવ્યા, કેવું જીવ્યા, કેવી રીતે જીવ્યા, કોને માટે જીવ્યા, પ્રારબ્ધ બદલ્યું કે લંગર નાખેલા વહાણની જેમ એક જગ્યાએ જ હંકારે રાખ્યું અને કશે ન પહોંચ્યા? તો શું બડાશ હાકીશ તું જ્યારે મૃત્યોન્મુખ થઇશ? શું સિધ્ધિ સ્વને દર્શાવીશ કે જો ભઇલા હું આ જીવ્યો, મેં આ કર્યું, મેં આ મેળવ્યું ને મેં આ જતુ કર્યું? છે કશુંક એવું મનમાં કે જે તને પોકારી પોકારીને કહે કે હા.. જીવન મેં જીવ્યું.. પૂર્ણતાથી.. એકાગ્રતાથી.. સંપૂર્ણતાથી.. તો એ ક્ષણ.. એ દ્રશ્ય.. એ યાદ નથી કોઇ હાલમાં… આ જીવનની એક સત્ય હકીકત… કે હજી કોઇ ક્ષણ તે પૂર્ણ સભાનતાથી નથી જીવી.. પૂર્ણ એકરૂપતા… મન, શરીર, આત્મા, ચૈતન્ય.. સમરૂપ… સ્વબળે સંપૂર્ણપણે ખીલેલું જીવન.. આચરણ..
તો હજી કોસો દૂર છે ચાલવાનું.. મગધ રાજ્ય લગી પહોંચવાનું… રાજ્યાભિષેક થશે જે દિ એ દિ આવશે નોતરું.. ને મહાન ક્ષણ જે પોકારશે.. રામ મહિં… શ્યામ મહિં… સાંઇ મહિં… હું જ અહિં તહિં… હે ઇશ્વર ધન્ય છે મને આ ક્ષણ મળી… મળજો હર કોઇ જીવને અહિં… તત્પર રહીએ આપણે સૌ… એ ઐક્યતા, સભાનતા, સુંદરતા, વૈશ્વિક ચેતનાને આવકારવા અબધડી!
જય હો સ્વામી! દુખો દૂર કરી, સ્વર્ગીય આનંદમાં રાખો સદા અહિં…
તથાસ્તુ. તત ત્વમ અસી. ને હું નિત્યાનંદમાં રાચતો હોઇ, તારે માટે આ સંકલ્પ, આ ઇચ્છા, આ મહેચ્છા કશી અઘરી નથી. અઘરું છે આનાથી વિપરીત જીવવું… નાટકમાં કરાતા વિવેકાભાન રહિતના જોજનો દૂર લઇ જતા અલગ વ્યક્તિત્વને સ્વયંના સત્ય વ્યક્તિત્વ ઉપર પહેરી ઢાંક પિછોડો કરવો… હેં ને? તો એ વેશભૂષા જે માત્ર ટૂંક સમય માટે પહેરવાની હતી એને ઉતારી ફેંક… એ ચહેરા મહોરા કાઢી.. સત્યરૂપ વ્યક્તિત્વને ફરી ઝળહળવા દે.. આરોગ્યથી લઇ અવતરણ સુધી, મૂર્છાથી લઇ આત્મજ્ઞાન સુધી, પરાધીનતાથી લઇ સ્વાભિમાન સુધી.. ની સફર એ આજ… નાટકનો ભાગ ભજવવાનું છોડી, સ્વમાં રાચી.. સ્વગુણો પ્રગટ થવા દઇ…. અન્ય કલાકારોને પણ જગાડવા કે ભઇ.. નાટક પૂરું થયું… અસ્સલ તો હવે શરૂ થશે!
તા.ક. કોઇ પણ ચીજ, વસ્તુ, જીવનું સ્વરૂપ જોતા-વિચારતા-સાંભળતા ‘સ્વરૂપ’ શબ્દનો અર્થ યાદ રાખવો.. સ્વ..રૂપ! એ બધું ‘સ્વ’નું જ ‘રૂપ’ છે!
સાક્ષીભાવ
November 14, 2008 by amittparikhનળ સરોવર વિક્સિત પ્રદેશ છે કે અવિક્સિત એ જોનારાની દ્રષ્ટિ પર નિર્ભર કરે છે. જે પ્રકૃતિને પ્રેમ કરે છે એને ત્યાં સૌદર્યના દર્શન થશે અને એના થકી ઇશ્વરના. જ્યારે જેને મન શરીર માટેની સુવિધાઓ વિકાસ છે એને માટે એ હજી ‘અવિક્સિત’ પ્રદેશ છે જે હજી ઘણો ગંદો અને પછાત છે. આમ તારી આવરદા દરમિયાન એવો સમય આવશે જ્યારે તને લાગશે કે આ નકામો કે નિષ્ફળતા વાળો સમય છે. પણ મારી દ્રષ્ટિથી એ ખરેખર ઉચ્ચ સિધ્ધિ પામવાનો સમય છે. ભૂખ્યો વરૂ કેવી વર્તણૂંક કરશે? તરસ્યો મરવાને આરે હોઇને પાણીનું દાન કરી શકશે? આ સ્વપ્નોમાં પણ થઇ શકે છે અને હકીકતમાં પણ. સ્વપ્નોમાં જો તું જાગૃત નહિ હોય તો એમાંથી શીખવાનું ઓછું થઇ જશે.. ઘણું ઓછું. દ્રષ્ટા હંમેશાં જાગ્રત હોવો જોઇએ. કોઇ પણ વિકટ કે સારી પરિસ્થિતિમાં. અને તું એની સાથે identify થા. એ નિર્દોષ, અચલ સાક્ષીભાવ સાથે. એ કોઇ persona નથી. એ સાવ impartial છે. તારી ચેતનાને બે ભાગમાં વિભાજીત કર. એક ભલ ‘તું’ રહેતો – જ્યાં સુધી તું માને છે એના અસ્તિત્વમાં – અને એક એ અટલ સાક્ષીભાવ. ધીરે ધીરે એ સાક્ષીભાવ forefront માં આવી જશે અને persona પાછળ background માં. આ સ્થિતિ અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરવા દ્યોતક છે. ઉદઘાટન કર ‘હમણાં’ થી.. એ બેઉ એકબીજાના પૂરક છે. ‘Now’ અને તટસ્થ સાક્ષીભાવ. એ સાક્ષીભાવ ભવિષ્યમાં નહિ લાવી શકાય કે નહિ ભૂતકાળમાં, તું જ્યારે identify થઇશ એની સાથે તું આપોઆપ સત્ય રૂપી આ ‘ક્ષણ’ માં સરકી જઇશ. જે ખૂબ મહત્ત્વનું છે. તારા માનસિક સંતુલન અને વિકાસ માટે પણ આ પગલું અત્યંત જરૂરી છે. આ એ જ ચમત્કારિક ક્ષણ છે જ્યાંથી હર ક્ષણે સંપૂર્ણ જગત ‘આવી રહ્યું છે’ – ‘નવનિર્મિત થઇ રહ્યું છે’… becoming.. becoming..
ચૈતન્યને વહાલો છે ‘તું’.. ડર મા.. સઘળા સારાવાના થશે. ખરાબ સમય તને તારા base nature સાથે તારી ઓળખાણ કરાવે છે. તારી અંદર રહેલા શેતાનને જગાડે છે અને તારી conscious awareness માં લાવે છે. જ્યાં સુધી તું તારા આ limited self ને સંપૂર્ણપણે ઓળખી નહિ લે ત્યાં સુધી આ વિરાટ ‘સત્ય’ ને જાણવું શક્ય નથી. ઢાંકપિછોડો જરૂરી નથી. જે જેમ છે એમ બહાર આવવા દે તારી ચેતનાના પટલ પર.. ને ત્યાંથી બાષ્પીભવન થઇ વિખરી જવા દે. ચૈતન્ય મહાપ્રભુજીની બેઠક તારા હ્રદયમાં – એ સાક્ષીભાવમાં છે જે મગજ અને મનથી ‘પર’ છે. એ અટલ અચલ અમર સત્યરૂપ વર્તમાન ક્ષણમાં સ્થિર થા – આ જ સાધના છે – આ જ ધ્યાન છે – આ જ સમાધિ છે.
ચકિત કરી દેતી ચાંદની
October 11, 2008 by amittparikhચકિત કરી દેતી ચાંદની
પેલા વાદળોની વચમાં
તારી આંખ્યુંમાં મેં જોઇ’તી
એ જ નરી સુંદરતા
વાત્યું કરીશું આપણે
આવી જ અનેરી લયમાં
જોજે ગોથું તું ખાયે ના
શબ્દોની આ શતરંજમાં
રાત વીતી જે કહેવી’તી
એ વાત રહી ગઇ મનમાં
ચાલ શોધી સાંભળીએ
એને મનના ઊંડાણમાં
ધુળ ઢેફા ઉડાડતા
ઘોડા દોડતા મનમાં
ખુલ્લા પગે ચલ ચાલીએ
રેતીના શાંત રણમાં
અવિરત અવિનાશી સંગે
ઉડીએ આ ગગનમાં
ચકિત કરી દેતી ચાંદની
પેલા વાદળોની વચમાં
યાત્રા
October 11, 2008 by amittparikhજોજનો દૂર છે જાવું મારે
સંગાથ મળે ન મળે
દૂર દૂરના પ્રદેશો ખોળવા
વાહન મળે ન મળે
અસુર, માનવ, બુધ્ધ, ઇશ્વર
કોણ છે એ સર્વેની ભીતર?
મનમાં છે સવાલો ઘણાં
જવાબ મળે ન મળે
નદી, કાંઠા, જમીન, આકાશ
ભેદ-ભરમ છે ઘણાં અગાધ
ન ગુરૂ, ન સાથી, ન મિત્રનો સાથ
છતાંય કરી રહ્યો છું યાત્રા અમાપ
આખરે થાકી, કંટાળી, હારી આજ
ઘડી બે ઘડી બંધ કરી મેં બંધ આંખ
અનાયાસે ભીતર જોઇ મેં એ આંખ
જે યુગો યુગોથી છે મારી સંગાથ
કેમ ભૂલી ગયો હું સરળ આટલી વાત?
અત્ર, તત્ર, સર્વત્ર છે માત્ર મારો જ વાસ!